બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ગઇકાલે રાત્રે માઉન્ટ આબુ ઉપરવાસમાં 160 મી.મી. ભારે વરસાદ થતાં આજે તા.28-07-2023ના રોજ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 599.35 ફૂટ એટલે કે ડેમ 86.62 ટકાથી વધુ ભરાયેલ છે. ડેમની ફૂલ કેપેસીટી 604 ફૂટની છે એટલે કે ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતા આજે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં 10,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે. હાલ દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યાં છે.
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને સૂચિત કરવામાં આવે છે કે, દાંતીવાડા ડેમના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ નદીના પટમાં માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં ભરાયેલ પાણીમાં ન્હાવા જવું જીવ માટે જોખમી છે. બનાસ નદીમાં ન્હાવા નહીં જવા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે.