કડી શહેરમાં આવેલા મેલડી માતાજીના મંદિરે દર રવિવારે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. જ્યાં એક પરિણીત મહિલા દર રવિવારે ચાલતી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહી હતી. જે દરમિયાન નંદાસણ ચોકડી પાસે પહોંચતા બે ઈસમો એકટીવા લઈને આવી પહોંચ્યા હતા અને મહિલાની છેડતી કરાતા મહિલાએ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
કડી શહેરના છત્રાલ હાઇવે ઉપર પરિણીત મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. જ્યાં મહિલા દર રવિવારે કડી શહેરના જૂની મામલતદાર કચેરીએ આવેલા પ્રખ્યાત શ્રી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે જાય છે. જે દરમિયાન રવિવાર હોવાથી જેઓ એકલા પોતાના ઘરેથી ચાલતા મેલડી માતાજીના મંદિર ખાતે દર્શન કરવા જઈ રહેલા હતા. જે દરમિયાન નંદાસણ ચોકડી પાસે પહોંચતા બે ઈસમો એકટીવા લઈને આવી પહોંચ્યા હતા.
મહિલા નંદાસણ ચોકડી પાસે આવેલા સી.એન કોલેજ પાસે પહોંચતા મહિલાની પાછળ આવી રહેલા એકટીવા લઈને બંને ઈસમોએ હોર્ન મારતા મહિલા સાઈડમાં ખસી ગઈ હતી અને બંને ઈસમોએ મહિલાને કહ્યું હતું કે, મારી જાનુ કેમ આજે ચાલતી જાય છે, આવને એકટીવા ઉપર બેસીજા જેવું કહીને બંને ઇસમો ત્યાંથી જતા રહ્યા હતા અને આગળ સિવિલ કોર્ટ પાસે પહોંચતા મહિલાના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું કે ચાલને મારા એકટીવા ઉપર બેસી જા... જ્યાં મહિલાએ બુમા બુમ કરતા બંને એક્ટિવા સવાર ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
જ્યાં મહિલા કડીના મેલડી માતાજીના મંદિરના ગેટ પાસે પહોંચતા બંને ઈસમો ગેટ પાસે એકટીવા લઈને ઊભા રહેલા હતા. જ્યાં મહિલા મેલડી માતાજીના મંદિરના દર્શન કરીને મંદિરની નીચે ઉભા હતા. જે દરમિયાન તેમના પતિ તેમને લેવા માટે આવ્યા હતા. જ્યાં સમગ્ર હકીકત તેમને મહિલાએ જણાવતા કડી પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી હતી અને મહિલાએ બંને ઈસમો વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.