ડીસામાં બજારમાં ખરીદી કરવા ગયેલા વિધવા મહિલા સાથે બે ગઠિયાઓએ છેતરપિંડી આચરી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત 74 હજાર રૂપિયાના માલમત્તાની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

ડીસા તાલુકાના માલગઢ મોટી ઢાણી ખાતે રહેતા વિધવા મહિલા સીતાબેન તલકાજી સોલંકી ડાયમંડ સોસાયટી ખાતે રહેતા તેમના મોટા પુત્રને મળવા માટે આવ્યા હતા. ત્યાંથી તેઓ શિવનગરમાં રહેતા તેમના ભાઈને મળી બજારમાં ખરીદી કરવા ગયા હતા. જુના બસ સ્ટેન્ડ પાસે આવેલા સંતોષી માતાના મંદિર પાસેની દુકાનમાં તેઓ ખરીદી કરી રહ્યા હતા. તે સમયે અજાણા બે ગઠીયાઓ તેમની પાસે આવ્યા હતા.

અત્યારે લૂંટની ઘટનાઓ ખૂબ બને તેમ કહી મહિલાના દાગીના તેમની થેલીમાં મુકાવડાવ્યા હતા. બાદમાં મહિલાને માલગઢ જવાનું હોવાથી બંને શખ્સે મહિલાની સાથે ગાયત્રી મંદિર પાસે પહોંચ્યા હતા. જ્યા મહિલાને ઊભા રાખી માલગઢની ગાડી તપાસ કરવાનું કહી બંને શખ્સો ત્યાંથી છટકી ગયા હતા.

તે દરમિયાન મહિલાને શંકા ગઈ હતી અને તેમણે તેમની થેલીમાં તપાસ કરતા તેમના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 74000 રૂપિયાના માલમત્તાની ચોરી થઈ ગઈ હોવાનું જણાયું હતું. જેથી તેઓ તરત જ ત્યાંથી તેમના પુત્રને ત્યાં પહોંચ્યા હતા.

આ ઘટનાથી હતપ્રત બનેલા મહિલાની તબિયત બગડતા તેમને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યારબાદ તેઓની તબિયત સુધરતા તેમણે અજાણ્યા શખ્સો સામે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ગઠિયાઓની તપાસ શરૂ કરી છે.