ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં હવે ગાડીને ખોટી નંબર પ્લેટ બનાવી દારૂ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાસ થયો છે. જેમાં પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવેલી બ્રેજા ગાડી સહિત દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા એક અઠવાડીયાથી બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ગુજરાતમાં દારૂ ઘૂસાડતા બુટલેગરો પર તવાઈ વરસાવામાં આવી રહી છે. જેથી હવે બુટલેગરોએ નવો કિમીઓ અપનાવ્યો છે અને ગાડીને ખોટી નંબર પ્લેટ લગાવી બનાસકાંઠામાં દારૂ ઘુસાડી રહ્યા છે. ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે એક કારમાં દારૂ આવી રહ્યો હોવાની માહિતી મળતા જ વોચ ગોઠવી હતી.
તે દરમિયાન એક શંકાસ્પદ બ્રેઝા ગાડી પસાર થતા તેને રોકાવી તલાસી લેતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના કુકા ગામના બિરબલરામ બીશ્નોઈની અટકાયત કરી છે. જ્યારે દારૂ સહિત 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સિવાય ભીલડી પોલીસે પણ મુડેઠા પાસેથી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. જેમાં પોલીસે પિંછો કરતા આરોપી દારૂ ભરેલી ગાડી મૂકીએ ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે દારૂ અને ગાડી સહિત 3.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ફરાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.