ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર વાહનચાલકોએ વધુ ટોલટેક્સ ચૂકવવો પડશે..

મોંઘવારીના સમયમાં દાજ્યા પર ડામ જેવી સ્થિતિ..

ડીસા રાધનપુર નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોએ હવે પહેલી એપ્રિલથી ટોલટેક્સ માટે વધુ પૈસા ચૂકવવા પડશે. નેશનલ હાઈવે ઓથોરિટીએ નિર્ણય લેતા હવે આગામી પહેલી એપ્રિલથી ટોલટેક્સમાં એકથી પાંચ ટકા સુધીનો વધારો કર્યો છે..

ડીસા તાલુકાના મુડેઠા સહિત નેશનલ હાઇવે 27 પર આવેલા ટોલ પ્લાઝાઓ ઉપર એક એપ્રિલથી ભાવ વધારો ઝીંકાશે. એકથી પાંચ ટકા સુધીનો આ ભાવ વધારો ઝિંકાતા વાહનચાલકો માટે મોંઘવારીના સમયમાં દાઝ્યા ઉપર ડામ પુરવાર થયો છે..

આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટીએ તમામ ટોલ પ્લાઝાને આદેશ કર્યો છે અને દરેક પ્લાઝા પર નવા દરના બોર્ડ પણ મુકી દેવાયા છે. ભાવ વધ્યા બાદ નાના વાહનચાલકો પાસેથી 5થી 20 રૂપિયા સુધીનો વધારે ભાવ વસુલવામાં આવશે..

 નેશનલ હાઇવે ઓથોરિટી હેઠળ દેશભરના તમામ ટોલનાકાઓ ઉપર અલગ-અલગ શ્રેણીના ટોલ ટેક્ષ વસુલવામાં આવે છે. ત્યારે ડીસા તાલુકાના મુડેઠા ટોલ પ્લાઝા પર પણ 1 એપ્રિલથી નવા રેટ લાગું પડશે..

આજ દિવસ સુધી નાની ગાડીઓમાં ચુકવાતા રૂપિયા 5, જ્યારે લાઈટ કોમર્શિયલ વ્હિકલ અથવા મિની બસોમાં રૂપિયા 10 સુધીનો વધારો, ટ્રક અને બસોમાં રૂપિયા 20 નો વધારો, જ્યારે નાની ગાડીઓ અને ઓવરલોડ અને ઓવરસાઈઝ અને સાત એક્શલ સુધીના ભારે વાહનોમાં અલગ અલગ ભાવ વધારો ઝીંકાતા વાહન ચાલકોના ખીસ્સા હળવા થશે અને મોંઘવારીનો વધુ માર સહન કરવાનો વારો આવશે..