હળવદ તાલુકામાં વિવિધ ગામોમાંથી માઈનોર કેનાલો પસાર થાય છે. જેમાંથી મોટાભાગની માઈનોર કેનાલોમાં બાવળો તેમજ ઝાંખરાઓનો જમાવડો જોવા મળે છે. તો સાથે અમુક ગામોમાં દસ દસ વર્ષો વિતવા છતાં પણ પાણીનું એક ટીપું સુદ્ધા માઈનોર કેનાલમાં પહોંચ્યું જ નથી. જેથી કરીને ખેડૂતો અકળાયા છે. ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને કેનાલમાં રામધૂન બોલાવીને તંત્રને જગાડ્યું હતું. અને જણાવ્યું હતું કે, વેગડવાવ માંથી પસાર થતા માઈનોર ડી-17ની પેટા કેનાલ 3 નંબરમાં દસ વર્ષો વિતવા છતાં પણ પાણીનું એક ટીપું આવ્યું નથી. અને આ કેનાલથી 10 હજારથી વધારે વિઘામાં ખેડૂતોને પિયતનો લાભ મળી શકે તેમ છે. જેમાં શક્તિનગર, ઘણાંદ, મંગળપર, બુટવડા, વેગડવાવ, ઈસનપુર સહિતના ખેડૂતોને પિયતનો લાભ મળી શકે તેમ છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, કેનાલ બની ત્યારથી પાણી તો આવ્યું નથી. પરંતુ અમારી જમીન કેનાલોમાં રોકાયેલી છે. જેથી કરીને કાંતો ખેડૂતોને પાણી આપો અથવા કેનાલ જમીન પરથી લઈ જવા આક્રોશ વ્યક્ત કર્યો હતો. વધુમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેનાલોની નબળી કામગીરી હોવાથી પાણી આવે તે પહેલા જ ઠેર ઠેર ગાબડાઓ પડી ગયા છે. અને હલકી ગુણવત્તાની કામગીરીને લઈ અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.