પાલનપુર- ડીસા હાઈવે ઉપર બે ટ્રકો વચ્ચે અકસ્માત થયો હતો. જે બાદ ટ્રકોમાં આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનામાં એક વ્યક્તિ આગની ચપેટમાં આવી જતા બળીને ભડથું થઈ ગયો હતો. જ્યારે એક ટ્રકચાલકને ઈજા પહોંચી હતી જોકે, તેનો આબાદ બચાવ થયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઈવે પર અકસ્માત બાદ વાહનમાં આગ લાગી હતી. જે બાદ અફરાતફરી મચી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે ટ્ર્કો વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ આગની ચપેટમાં આવી ગયો હતો. આગની વિકરાળ જ્વાળામાં આ વ્યક્તિ બળીને ભડથું થઈ જતાં તેનું મોત થયું છે. જ્યારે એક ટ્રકચાલકને ઈજા પહોંચી હતી. જોકે, તેનો આબાદ બચાવ થયો હતો.
આ બનાવના પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ પણ થયો હતો. ઘટનાને પગલે પોલીસ તત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બીજી તરફ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા પાલનપુર નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની ચપેટમાં આવેલી બંને ટ્રકો બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે હાઇવે પર જામ થયેલા ટ્રાફિકને નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
આ પહેલાં પણ અકસ્માત બાદ વાહનમાં આગ લાગી હોય તેવી અનેક ઘટનાઓ બની છે ત્યારે આવો હવે જોઈએ આવી જ અન્ય ઘટનાઓ..
રાધનપુરના સાંતલપુર નેશનલ હાઈવે પર આગમાં એક જિંદગી ખાખ થઈ હોવાની ઘટના બની હતી. જેમાં મોટી પીપળી ગામ પાસે રાત્રી દરમિયાન એક ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ગણતરીની સેકન્ડોમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરતા સમગ્ર ટ્રેલર આગની લપેટમાં આવી ગયું હતું અને ડ્રાઇવર અંદર જ ફસાઈ ગયો હતો. જેથી ડ્રાઈવરનું ભડથું થઈ ગયું હતું. તેમજ ટ્રેલર પણ બળીને ખાખ થઈ ગયું હતું.
ભાવનગર જિલ્લામાં મહુવા પાસે એક અકસ્માતની દર્દનાક ઘટના બની હતી. મહુવાના વડલી-નેસવડ રોડ પર ઘટના બની હતી. જેમાં ટ્રક અને કાર અથડાયા બાદ કારમાં આગ ફાટી નીકળતા તેનો ચાલક બળીને ભડથું થઈ ગયો હતો. અકસ્માત બાદ દરવાજા ખૂલી શક્યા ન હતા અને કારમાં સવાર એક વ્યક્તિ આગમાં ખાખ થઈ જતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
ભાવનગર શહેરના રિંગરોડ પર એક દુર્ઘટનામાં કાર ડિવાઇડર પર ચડી ગયા બાદ એક બાકડા સાથે અથડાઈને સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ભટકાઈ હતી. એ બાદ કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી, જેથી કારમાં સવાર બે લોકોમાંથી એક યુવાન જીવતો જ ભડથું થઈ ગયો હતો, જ્યારે કારચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા શાલિન કોમ્પ્લેક્ષ પાસે પાર્ક કરેલી કારમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. કારમાં અચાનક જ આગ ફાટી નીકળતા મોબાઇલ સહિતનો સામાન લેવા જતા ભડકો થયો હતો. જેથી, કારચાલક ગભરાઇ ગયો હતો અને કારથી દૂર ભાગી ગયો હતો અને યુવાનનો જીવ બચી ગયો હતો. આ દૃશ્યો હાજર લોકોએ મોબાઇલમાં કેદ કરી લીધાં હતાં. કારમાં આગ લાગતા જ આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.