થરાદ તાલુકાના વારા ગામે એક ઈસમે બંદૂકથી ફાયરિંગ કરી સીનસપાટા કરવા વીડિયો ઈન્સટાગ્રામ પોસ્ટ કર્યો હતો, પરંતુ તેના સાત મહિના બાદ વીડિયો વાયરલ થતાં SOG પોલીસ એક્શનમાં હતી. થરાદના વારા ગામે SOG પોલીસ વીડિયો વાયરલ કરનારના ઘરે જઈ 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ શખ્સોએ તેમના ફૂવાની લાયસન્સવાળી બંદૂક વડે ફાયરિંગ કર્યુ હતું જેથી આ તે બંદૂક પણ પોલીસે જપ્ત કરી હતી. આ બંને યુવકોને ઈન્સટાગ્રામ પર સીનસપાટા કરવા ભારે પડ્યા હતા.
મળતી વીગતો મજુબ, થરાદ તાલુકામાં SOG પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કોઇ બાતમીદારે પોલીસને એક વીડિયો મોકલ્યો હતો. આ વીડિયોમાં કોઇ ઇસમ તેના ઘર આગળની ખુલ્લી જાહેર જગ્યામાં મઝર લોડ ઉપર ભરવાની એક નાળી બંદૂકથી ફાયરીંગ કરતો હતો. પોલીસે આ બાબતે તપાસ કરતા આ ફાયરિંગ કરનાર ઇસમ સમસુદીનશા સામીરશા જુનેજા (રહે.વારા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠાવાળો) હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસે તેના ઘરે પહોંચી તપાસ કરતા આ ઇસમ હાજર મળી આવ્યો હતો. તેને વીડીયો બતાવી પુછપરછ કરતાં આ વીડિયો પોતાનો હોવાનો તેને જણાવ્યું હતું.
વધુમાં તેને જણાવ્યું કે, સાતેક માસ પહેલા પોતાના ફુવા ગુલાબશાના ઘર આગળ વીડિયો બનાવવા માટે આ ફાયરિંગ કર્યું હતું. બંદૂક તેના ફુવા ગુલાબશા અમરશા જુનેજાની લાયસન્સ વાળી છે. તેમણે પરવાનો રજુ કરેલ આ બંદૂકનો લાયસન્સ નંબર LN12261F7AC520/BK/V/01/93 છે. આ પરવાનો તારીખ - 31/12/2025 સુધી થરાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટેરીન્યુ કરેલું છે.
ગોળીબાર કરનાર ઇસમને તેના ફુવાના દિકરા સકુરશા ગુલાબશા જુનેજાએ દારુખાનું ભરી આપ્યો હતો. લાયસન્સ ધારક ગુલાબશાની ગેરહાજરીમાં આ ઇસમે મઝર લોડ બંદૂકથી ફાયરીંગ કર્યો હોવાનું રુબરુમાં જણાવ્યું હતું. લાયસન્સ ધારક ગુલાબશાની બંદૂક પણ રજૂ કરવામાં આવી હતી. જે બંદૂકને પોલીસે કબજે કરી અને આ ફાયરિંગ કરનાર સમસુદીનશા કે જે પોતે હથિયારનો પરવાનો ન ધરાવતો હોવા છતાં તેના ફુઆની ગેરહાજરીમાં તેમની બંદૂકથી સાતેક માસ અગાઉ બીજાની જીંદગી જોખમમાં મુકાય તે રીતે ફાયરીંગ કરી ગુનો કર્યો હોવાથી તેની સામે તેમજ તેને દારુખાનું ભરી આપનાર સકુરશા ગુલાબશા જુનેજા સામે થરાદ પોલીસે ઇ.પી.કો કલમ 336, 114 તથા આર્મસ એક્ટ કલમ 25(1)(a) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.