રાજ્યમાં મેઘ તાંડવ યથાવત છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં 1 થી 16 ઈંચ વરસાદ પડ્યો છે. આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે - બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મુસળાધાર વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યુ હોય એમ 16 ઈંચ વરસાદ ખાબક્યો છે, આથી રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયાં છે. ભેંસાણમાં આજે સવારે 2 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ધરમપુરમાં 5 ઈંચ અને ધારીમાં સાડાચાર ઈંચ વરસાદ પડ્યો છે. ઓઝત નદીનો પાળો તૂટતા માણાવદર તાલુકાના ઘેડ પંથકના કોયલાણા ગામમાં પાણી ફરી વળ્યાં છે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે, જેથી અનેક માર્ગો પણ બંધ થયા છે. બગસરા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા બગસરા - અમરેલી બાયપાસ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તેમજ મુંજીયાસર ડેમ ઓવરફ્લો થવાના કારણે સાતલડી નદી ગાંડીતૂર બની હતી. ત્યારે નદીમાં ઢુંઢીયાપીપળીયા ગામમાં માલધારીનો ફરજો ધરાશાયી થતા 5 ઘેટાંના મોત થયા છે. જાબાળ ગામમાં સુરજવડી નદી બે કાંઠે વહેતા લોકોનું સ્થાળાંતર કરવામાં આવી રહ્યું છે. તેમજ ગામમાં બે મકાન ધરાશાયી થયા છે.