કડી શહેર તેમજ તાલુકાની અંદર દિવસેને દિવસે હુમલા, ઝઘડાઓના બનાવોમાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે અને અનેક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામતી નજરે પડી રહી છે. જે દરમિયાન કડીની સી.એન. કોલેજની બાજુમાં અને અલ કૌશલ ફ્લેટની આગળ બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું. જેમાં ધારિયા અને ધોકા ઉડ્યા હતા. ઘટનાને લઇ કડી પોલીસ દોડી આવી હતી અને સામ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

કડીના ભાગત વાડામાં રહેતા અલ્ફાઝ શેખ કે જેઓ પોતે સી.એન.કોલેજની બાજુમાં કેબિનમાં ગેરેજ ચલાવી ગુજરાન ચલાવી રહ્યો છે. જે દરમિયાન તેઓ તેના ઘરે કામ હોવાથી પોતાના ગેરેજ ઉપરથી બાઈક લઈને કોર્ટ ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. ત્યારે એક મોટરસાયકલ લઈને આવતો શખસ અચાનક રોડ ક્રોસ કરવા અલ્ફાઝના બાઈકની નજીક આવી ગયેલો. ત્યારે તે ઇસમે તેની સાથે ગાળાગાળી કરી હતી. ઝઘડો થતાં આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા અને ઝઘડાને શાંત પડાવ્યો હતો. તે બાદ અલ્ફાઝ શેખ પોતાના ગેરેજ ઉપર જતો રહ્યો હતો. ગેરેજ ઉપર અલ્ફાઝ હાજર હતો. ત્યારે સિકંદર સહિતના ચાર ઈસમો ગેરેજ ઉપર હાથમાં ધારિયા અને ધોકા લઈને આવી પહોંચ્યા હતા.

કેમ હમણાં મને બાઈક અડાડ્યું હતું. તેમ કહીને ધોકા અને ધારિયા વડે તૂટી પડ્યા હતા. જ્યાં ઝઘડો થતાં લોકો દોડી આવ્યા હતા અને ચારે ઈસમો ત્યાંથી ભાગી છુટ્યા હતા. આલ્ફાઝને ઇજાઓ પહોંચતા તેને કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. યુવકને ટાંકા આવ્યા હતા. ઘટનાને લઇ તેના પરિવારજનોને જાણ થતા તેના કાકા માજીદ ખાન શેખ સહિતના પરિવારજનો અલ કૌશલ ફ્લેટ પાસે ઠપકો આપવા ગયા હતા, પરંતુ ત્યાં પણ હુમલાખોરોએ ધારિયા અને તલવાર વડે હુમલો કરતા માજીદ ખાન સહિતના લોકોને ઇજાઓ પહોંચી હતી. જેથ તેઓને ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ કડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

બીજી બાજુ કડીની મહંમદી સોસાયટીમાં રહેતા સમીર પઠાણ પોતે ધંધો વ્યવસાય કરીને ગુજરાત ચલાવી રહ્યા છે. તેઓ અલ કૌશલ ફ્લેટની આગળ પાર્લરની બાજુમાં ઊભા હતા. ત્યારે ઇમરાન ઈમ્તિયાઝ સહિતના 4 લોકો ધારિયા અને ધોકા લઈને આવી પહોંચ્યા હતા અને કહેવા લાગ્યા કે, તે અલ્ફાઝ સાથે ઝઘડો કર્યો હતો. એવું કહેતા સમીરે કહ્યું કે, આ વાતમાં હું કઈ જાણતો નથી. તેવું કહેતાની સાથે જ આવેલા ચાર ઈસમો ધોકા, તલવારો વડે તૂટી પડ્યા હતા. ઝઘડો થતા સમીરનો ભાઈ શાહરૂખ વચ્ચે પડતા તેને પણ ઇજાઓ પહોંચી હતી. હુમલાખોર ચારેય ઈસમો હુમલો કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. તેમજ સમીર અને તેના ભાઈને ઇજાઓ પહોંચતા કડીની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સમીરને માથામાં ટાંકા આવ્યા હતા. ઘટનાને લઇ કડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું થતા ઘટનાસ્થળે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને બંને પક્ષની સામસામે પોલીસે ફરિયાદ લઈને 8 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.