કડી : કડીમાં 10 દિવસ પહેલા માર્કેટયાર્ડ નજીક આવેલી શિવશક્તિ સોસાયટીના નાકા આગળ એક પેટ્રોલ પંપના માલિક પાસેથી 2 લાખ જેટલી રકમ લૂંટી લેવામાં આવી હતી અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના 10 દિવસ બાદ આજે અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા આ લૂંટની ઘાટનાનો ભેદ ઉકેલીવામાં આવ્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક જાણકારી મુજબ, આજથી દસ દિવસ અગાઉ કડીના જાસલપુર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સતીષ પટેલ જે પોતે વિઠલાપુર ખાતે આવેલા તેમની માલિકીના વારાહી પેટ્રોલ પંપનો હિસાબ પતાવી રોકડ રકમ લઈને પોતાના માલિકીના ટેન્કરમાં કડી માર્કેટયાર્ડ પાસે આવેલી શિવ શક્તિ સોસાયટીના નાકે ઉતરી ટેન્કરના ડ્રાઈવર જોડે વાતચીત કરી રહ્યા હતા, તે અરસામાં બાઈક પર સવાર અજાણ્યા બે વ્યક્તિઓ તેમના હાથમાં રહેલો બે લાખથી વધુની રકમનો થેલો લૂંટી ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટનાને પગલે કડી પોલીસ અને LCBની ટીમ હરકતમાં આવી હતી અને CCTV ફૂટેજ મેળવી તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.
આ બાબતે અમદાવાદ ગ્રામ્ય નાયબ પોલીસ અધીક્ષક ડી. એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, કડીમાં થોડા દિવસો અગાઉ થયેલી લૂંટની કડી પોલીસ તપાસ કરી રહી હતી અને બંને તાલુકાની હદ મળતી હોવાથી ગ્રામ્ય LCBની ટીમ પણ તપાસમાં લાગેલી હતી. જે દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર આર. એન. કરમટીયાની ટીમના ASI જયદિપસિંહ વાધેલા અને અનુંપસિંહ સોલંકીને બાતમી મળી હતી કે, કડીમાં થયેલી લૂંટનાં આરોપી દેત્રોજના અબાસણા પાસેના ઈટોની ભઢ્ઢી પાસે આવેલા ખેતરમાં સંતાયેલા છે. જેથી બાતમીની ખરાઈ કરીને ગ્રામ્ય LCB ટીમે આરોપી યુવરાજ ઝાલા (જેઠીપુરા), પરબત ઝાલા (જેઠીપુરા), મહાવીર ઝાલા (જેઠીપુરા), વિરેન્દ્ર સોંલકી (અબાસણા) અને સૂરજ સોંલકી (વિઠલાપુર)ની ધરપકડ કરી હતી અને તેઓની પાસેથી 1,90,000 રોકડ રકમ તેમજ ગુનામાં વપરાયેલા બાઈક સહિત કુલ રૂપિયા 3,30,000નો મુદ્દામાલ કબજે કરીને પાંચે આરોપીઓને ધરપકડ કરી કડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.