અમદાવાદના ઠાકોરભાઈ દેશાઈ હોલ ખાતે કોંગ્રેસના માઈનોરિટી સેલના યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપને આડેહાથ લઈ આડકતરી રીતે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરી લઘુમતીઓને સંબંધિત કરતા જણાવ્યું કે દિલ્હીમાં બેઠેલા પોપટનો જીવ ગુજરાતમાં છે, આપણે આ પોપટની ડોક મરડી નાખવાની છે.

દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતીનો છે, કોંગ્રેસ પોતાની આ વિચારધારા સાથે આજેપણ જોડાયેલી છે.

આ બોલવાથી કોંગ્રેસને કેટલું નુકસાન થયું હતું અને કેટલું થશે તે સ્પષ્ટ હોવા છતાં કોંગ્રેસ પોતાની વિચારધારાને વળગી રહી છે અને લઘુમતીઓ સાથે છીએ તેમ જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું.

તેઓએ કહ્યું કે રાજ્યમાં લઘુમતિના 20 હજારથી વધુ વોટ ધરાવતી 60 બેઠકો છે, આ તમામ બેઠકો મજબૂત કરો, દરેક બેઠક પર લધુમતિના દરેક ફિરકા અને જમાતને આમંત્રણ આપો. મતદાનના દિવસે મહત્તમ મતદાન કરવાના પ્રયત્નો કરો. ચૂંટણીમાં ભાજપને તેના મતદારો મત આપે તો આપણો મતદાર કેમ બાકી રહે છે. આપણું મતદાન ઓછું થાય છે એટલે આપણે સત્તામાં નથી જેથી લઘુમતીઓ એક થાવ અને પાર્ટી મજબૂત બનાવો.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત અનેક નેતાઓની હાજરીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં બેઠેલા પોપટ નો જીવ ગુજરાત માં છે, આપણે આ ડોક મરડી નાખવાની છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ કાર્યક્રમો પાછળ સરકારી ખર્ચ કરી રહી છે.

જગદીશ ઠાકોરે જણાવ્યું કે ભાજપ પહેલા ધર્મ વચ્ચે બબાલ કરાવતો હતો, હવે જ્ઞાતિઓ વચ્ચે ઝગડા કરાવે છે.

કોઈને એક ચપ્પુ મારવાથી 5000 વોટનો ફાયદો થતો હોય તો તે પણ તે કરે છે. છરી મારવાવાળો પણ ભાજપનો હોય છે અને છરી ખાવાવાળો પણ ભાજપનો જ હોય છે.

આમ જગદીશ ઠાકોર લઘુમતી સમાજ ઉપર ઓળઘોળ થયા હતા અને ભાજપના પોપટની ડોક મરડી નાખવાનું વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકારણ ગરમાયુ છે.