પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે રાત્રિના દીપડાએ હુમલો કરતા બે વાછરડા નું મોત
પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે ઘર આંગણે બનાવેલ કોઢમાં બાંધેલ બે વાછરડા ઉપર રાત્રિના દીપડાએ હુમલો કરતા બે વાછરડા ના કરુણ મોત થવા પામ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે ઘર પાસે કોઢમાં બાંધેલ બે વાછરડા પર ગતરાત્રિ દરમિયાન એક દીપડાએ હુમલો કર્યો હતો. દિપડાના હુમલામાં આ વાછરડાઓનું મોત થયું હતું. દિપડાએ શિકાર કરેલ આ વાછરડા અધકચરા ફાડી ખાધેલ હાલતમાં જણાયા હતા.
મળતી વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી પાવીજેતપુર તાલુકામાં દીપડાની વસતિ દિવસેદિવસે વધતી જાય છે.અને દીપડા અવારનવાર માનવ વસ્તીમાં આવી પાલતુ પશુઓનું મારણ કરતા હોવાની વાતો પણ સામે આવી છે. કલારાણી ગામે રાઠવા કમલેશભાઈ રમણભાઈના ઘર પાછળ બાંધેલ બે વાછરડાનું દીપડાએ મારણ કરતા પંથકના ગામોની જનતામાં ભય ફેલાયો છે.વનવિભાગને ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. દિપડાઓ અવારનવાર જંગલમાંથી રહેણાંક વિસ્તારમાં આવી જઈ, આવા હુમલા કરતા હોય છે. તો તંત્ર પાંજરા મૂકી આવા જંગલી દીપડાઓને જબે કરે અને વધુ નુકશાન અટકાવે તેવી લોક માંગ ઉઠી છે.