વઢવાણના કોઠારિયા ગામ પાસે આવેલી કેનાલ પાસેથી કાર લઈને પસાર થઈ રહેલા અકબરભાઈ મલેકની કાર પર યાકુબશા અયુબશા દિવાન અને તેના ભાઇ યુનુશ અયુબશા દિવાન દ્વારા ફાયરિંગ કરાયું હોવાની સુરેન્દ્રનગર પોલીસ કન્ટ્રોલ રૃમને જાણ કરવામાં આવી હતી. આ અંગે પોલીસે વઢવાણ-કોઠારિયા રોડ પર આવેલા કમાન્ડ કન્ટ્રોલ રૂમ, અલગ-અલગ કારખાના, શો-રૂમ સહિતના સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસી હતી. તેમજ ઘટનાસ્થળની આસપાસના લોકોના નિવેદન લીધા હતા. સીસીટીવી ફૂટેજ તપાસતા ફાયરિંગનો બનાવ ખોટો અને બનાવટી ઉભો કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે અકબરભાઈની સઘન પુછપરછ હાથ ધરી હતી. ત્યારે અકબરભાઈ મલેકને યુનુસ અયુબશા દિવાન તથા યાકુબ અયુબશા દિવાન અને તેમના પરિવારજનો સાથે બોલાચાલી ચાલતી હતી. તેમજ પ્લોટ બાબતનું મનદુઃખ રાખી બન્નેને ખોટા કેસમાં પુરાવી દેવાના ઈરાદે પિતા અને પુત્રએ પ્લાનિંગ કરી પોલીસને ખોટી હકિકત જણાવી ગેરમાર્ગે દોર્યા હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે ફરિયાદી બની ફાયરિંગનું તરકટ રચનારા પિતા-પુત્ર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.