ડીસા-પાટણ હાઈવે પર આજે અર્ટિકા કાર અને ઈકો ગાડી સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કારમાં બેઠેલા છ મિત્રોને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ડીસા-પાટણ હાઈવે પર જુનાડીસા ગામ પાસે આજે અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરવા ગયેલા 6 મિત્રો ફરીને પરત ડીસાથી પાટણ તરફ જઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા ઇકો ગાડી અને કાર સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અર્ટિકા કારના ચાલકે ગાડીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઇકો ગાડીની ટક્કર વાગતા કાર રોડની સાઈડમાં આવેલી ચોકડીમાં ઘૂસી ગઈ હતી. જેથી કારમાં બેઠેલા છ મિત્રોને ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. જ્યારે અકસ્માતની જાણ થતા 108 એમ્બ્યુલન્સ વાનના પાયલોટ વીરેન્દ્ર રાજપૂત અને ઇએમટી નિકુલસિંહ પ્રજાપતિ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ તમામ ઇજાગ્રસ્તો વધુ સારવાર અર્થે પાટણ રવાના થયા હતા.
ઇજાગ્રસ્તોના નામ
1. અમરતજી સદુજી ઠાકોર 54
2. ભાણાભાઈ બાબુલાલ ગામી 55
3. નરસિંહજી ઠાકોર 27
4. નરેન્દ્રસિંહ રમેશજી ઝાલા 23
5.સચિનભાઈ ચંદુજી ઠાકોર 19
6. રઘુભાઈ રાજુભાઈ વાઘેલા 22