સાબરડેરીના તાબામાં આવતી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની મળી અંદાજે ૧૮૦૦ થી વધુ સ્થાનિક મંડળીઓના દૂધ ઉત્પાદકો પાસેથી વર્ષ ૨૦૨૧- ૨૨માં સભાસદોની મંજુરી લીધા વિના સાબરડેરીએ સંસ્થાના વિકાસ અને વિસ્તૃતીકરણના નામે લાખો રૂપિયાના ડિબેન્ચર લઈ ભાવફેરની રકમમાંથી નાણાંની કપાત કર્યા બાદ હજુ સુધી આ દૂધઉત્પાદકોને તેમના હક્કના નાણાં પરત ન મળતા શુક્રવારે સાબરકાંઠા જિલ્લા દૂધઉત્પાદક સહકારી મંડળી એસોશિએસનના મ પ્રમુખે જિલ્લા રજીસ્ટારને લેખિત રજુઆત કરી છે. અને જો કપાત કરેલા નાણાં પરત નહી અપાય તો હાઈકોર્ટમાં જવાની પણ ચિમકી અપાઈ છે.

એસોશિએસનના પ્રમુખ મહેન્દ્ર પટેલે જિલ્લા રજીસ્ટારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૧-૨૨ ની ૫૮ મી વાર્ષિક સાધારણ સભામાં સાબરડેરીના નિયામક મંડળ ધ્વારા સભાસદોને ૧૯ ટકા મુજબ નફાની વહેચણી કરવાની જાહેરાત તત્કાલીન સમયે કરાઈ હતી. પરંતુ ભાવફેરની ચૂકવવાની થતી રકમમાંથી સાબરડેરીએ સભાસદોના ભાવફેરની રકમમાંથી શેર અને ડિબેન્ચરના નામે અંદાજે ૮.૭૭ ટકા રકમ કાપી લીધી હતી. જેના લીધે સભાસદ મંડળીઓને સરેરાશ બે લાખથી દસ લાખ સુધીનું નુકસાન થયું હોવાનો લેખિત રજુઆતમાં આક્ષેપ કરાયો છે.

એટલુ જ નહીં પણ તત્કાલીન સમયે સાબરકાંઠા અને અરવલ્લીની અંદાજે ૧૮૦૦ થી વધુ સભાસદ મંડળીઓના ૩૮૪૯૪૬ દૂધઉત્પાદકોની આ રકમ કાપી લેવામાં આવી છે તે ગેરકાયદે છે. એટલુ જ નહી પણ સને ૧૯૬૧ ના ગુજરાત સહકારી કાયદાની કલમ ૭૧ અને સહકારી કાયદાની ૧૯૬૭ ની કલમ ૧૧૯ ના ના પેટાનિયમ ૨૫ અન્વયે આવા ડિબેન્ચરો ઉભા કરવાનો અધિકાર જમીન વિકાસ બેંકને છે. નહી કે સાબરડેરીને જેથી સત્વરે બંને જિલ્લાના દૂધઉત્પાદકોને શેર ડિબેન્ચરના નામે કાપેલા નાણાં પરત આપવા જોઈએ અને નહીં અપાય તો એસોશિએસન હાઈકોર્ટનો આશરો લે છે.