કડીના દેત્રોજ રોડ ઉપર આવેલા પેટ્રોલપંપની અંદર એક કારમાં અચાનક જ આગ લાગતાં અફડા - તફડી મચી જવા પામી હતી. આગની ઘટનાને લઇ પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. તેમજ પેટ્રોલપંપના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવા જેહમત ઉઠાવી હતી. ભારે જહેમત બાદ ગાડીમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી.
કડીના દેત્રોજ રોડ પરના જય અંબે પેટ્રોલિયમ ખાતે આજે મંગળવારે એક કાર ગેસ પુરાવા માટે જઈ રહી હતી. જે દરમિયાન પેટ્રોલપંપના કમ્પાઉન્ડમાં પહોંચતાની સાથે જ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ગેસ પુરાવા જઈ રહેલી કારમાં અચાનક જ આગ લાગતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સમય સૂચકતાની સાથે કારમાં બેઠેલા ત્રણથી ચાર વ્યક્તિઓ બહાર આવી ગયા હતા અને સલામત સ્થળે ખસી ગયા હતા. જેથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી. જ્યાં પેટ્રોલપંપના કર્મચારીઓએ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો અને નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.