ધ્રાંગધ્રાના સોલડી ગામે શ્રમીક યુવાનની હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં તંત્ર દ્વારા ભીનું સંકેલી આરોપીને બચાવવા પ્રયાસ કરાઇરહ્યા હોવાના આક્ષેપ સાથે સમસ્ત કોળી ઠાકોર સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી. બનાવમાં ન્યાય અપાવવા માગ કરી હતી. જો તેમ ન થાય તો આંદોલનની ચીમકી આપી હતી.ધ્રાંગધ્રાના સોલડી ગામે મેહુલભાઇ ઉપરહારિયા નામના શ્રમિક યુવકની બજારમાં હત્યા કરાઇ હતી. આ ગુનામાં 2 આરોપીના નામ વિરૂધ્ધ પોલીસે ફરિયાદ નહીં નોંધતા ઠાકોર સમાજના અગ્રણીઓેએ યુવકનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો. બનાવના 43 કલાક બાદ નામજોગ ફરિયાદ નોંધાઇ હતી. ત્રીજા દિવસે મૃતકની અંતિમક્રિયા કરાઇ હતી. આ મામલે સમસ્ત ધ્રાંગધ્રા તાલુકા કોળી સમાજના અધ્યક્ષ છત્રસિંહ ગુજારીયા, ભરતભાઇ રાઠોડ, ઘનશ્યામભાઈ સંઘણી, પ્રહલાદજી ઠાકોર, ઘનશ્યામભાઈ બાપોદરિયા, મુકેશભાઈ ઝેઝરીય તેમજ અન્ય આગેવાનો કલેક્ટર કચેરીમાં હત્યાની તપાસ એસઓજી અથવા એલસીબીને સોપવા રજૂઆત કરી હતી.રજૂઆતમાં જણાવ્યા સોલડી ગામમાં ભરબજારે મેહુલભાઇ ઉપરહારિયા નામના ખેતમજૂર યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરાઇ હતી. તે હત્યામાં સામેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમજ આ મામલે ભીનું સંકેલાતું હોવાની આશંકા છે. તેથી આ ઘટનાની ન્યાયિક તપાસ કરાવવામાં આવે અને ફરજમાં બેદરકારી દાખવતા પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત ઠાકોર સમાજના આગેવાનો દ્વારા કરાઇ હતી.