ભારે વરસાદથી 15 ગામના તળાવ ઓવરફ્લો: ડીસાનું સૌથી મોટું 70 એકરમાં ફેલાયેલ તળાવ ભરાતા ધારાસભ્યએ પાણીના વધામણાં કર્યા્....
રાજ્ય સરકાર દ્વારા જળ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલી હતી. જેમાં ડીસા તાલુકાના ઝેરડા ગામે આવેલા ગુલાબસાગર તળાવમાંથી ચાલુ વર્ષે સુજલામ સુફલામ અંતર્ગત પ્રથમ વખત 50,000થી વધુ મેટ્રિક ટન માટી ખોદવામાં આવી હતી. આ તળાવ 70 એકરમાં ફેલાયેલું હોય ડીસા તાલુકાનું સૌથી વિશાળ તળાવ છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીની દેખરેખ હેઠળ જળ અભિયાન અંતર્ગત આ તળાવ ઊંડું કરાયા બાદ પ્રથમ વરસાદમાં જ સંપૂર્ણ તળાવ ભરાઈ જતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
આ ઉપરાંત જળ સંચય અભિયાન અંતર્ગત ઊંડા કરાયેલા થેરવાડા, બાઈવાડા, જાવલ વિઠોદર ,ઝેરડા, કુચાવાડા, ગુગળ,શેરપુરા, ઘાડા, ધાનપુરા અને તાલેગઢ સહિત 15 ગામોના તળાવ પણ સંપૂર્ણ રીતે ભરાઈ જતા સમગ્ર ખેડૂત આલમમાં ખુશીની લહેર છવાઈ જવા પામી છે. ગામોના તળાવ ઊંડા થતાં પાણીના તળ ખુબ જ ઊંચા આવશે અને ખેડૂતોને આર્થિક રીતે પણ ઘણો ફાયદો થશે. તળાવોમાં પાણી ભરાતા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, વેર હાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, બનાસ ડેરીના ડિરેક્ટર રામજી દેસાઈ, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરત દવે સહિત આગેવાનોએ ગામલોકો સાથે નવા નીરના વધામણા કર્યા હતા.