બિપરજોય વાવાઝોડાએ કચ્છને ઘમરોળ્યા બાદ તેની બનાસકાંઠા જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી થતાં છેલ્લા બે દિવસમાં પડેલા ભારે વરસાદથી રાજસ્થાનને અડીને આવેલા ધાનેરા તાલુકામાં નદી- નાળાઓ અને વ્હોળાઓમાં અવિરત પાણીનો પ્રવાહ શરૂ થયો છે. ઉપરવાસ રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે ધાનેરા તાલુકાના આલવાડા ગામમાંથી પસાર થતાં વ્હોળાના વહેણમાં ગઇકાલે રાત્રે બહાર ગામથી આવતી ઈકો અને બોલેરો એમ બે ગાડીઓ ફસાઇ ગઇ છે અને તેમાં કુલ- ૮ વ્યક્તિઓ સવાર છે એવો કોલ મળતાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આલવાડા ગામના તલાટીશ્રી ભુરાભાઇ માળી અને સ્થાનિક પોલીસ અને મામલતદારશ્રીને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા સુચના આપવામાં આવી હતી.
સુચના મળતાં જ તંત્રના અધિકારીઓએ સ્થળ પર જઇને પાણીના વહેણમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. પરંતુ પાણીનો આવરો વધારે હોવાથી લોકલ સાધન સંરંજામથી તેમનું રેસ્ક્યુ કરી શકાય તેવી પરિસ્થિતિ નહોતી તેથી ધાનેરા પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલે આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનાવાલને ઘટનાથી તાત્કાલિક જાણ કરી એન.ડી.આર.એફ.ની ટીમ મોકલવા માટે જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના તાત્કાલિક આલવાડા ગામે એન.ડી.આર.એફ.ની ટીમ રવાના કરીને આ બંને ગાડીઓમાં રહેલા લોકોને સહી સલામત બહાર કાઢવા માટે તંત્રને સુચના આપતા આ ટીમે સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કુલ- ૭ વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢ્યા છે જ્યારે એક યુવાન પાણીના વ્હેણમાં તણાઇ જતાં તેનું આજે દુઃખદ અવસાન થયું છે. આમ તંત્રની ત્વરીત રેસ્ક્યુ ઓપરેશનની કાર્યવાહીથી ૭ માનવ જિંદગી બચાવી શકાઇ છે. આ બચાવ કામગીરીમાં પ્રાંત અધિકારીશ્રી ડીસાનો પણ સહયોગ મળ્યો હતો.
આ ઉપરાંત ધાનેરાના ભાટીબ ગામે પણ બનાવેલ સોલાર પ્લાન્ટમાં કામ કરતા કુલ-૨૨ મજુર વ્હોળામાં ફસાઇ ગયા છે એવો કોલ મળતાં તેમને બહાર કાઢવા માટે પણ તાત્કાલિક ધોરણે એસ.ડી.આર.એફ.ની ટીમ મોકલીને સ્થાનિક લોકોની મદદથી આ ૨૨ મજુરોનું રેસ્ક્યુ કરીને તેમની જિંદગી બચાવી લેવાતા તેમના જીવમાં જીવ આવ્યો છે અને જાણે નવી જિંદગી મળી હોય એમ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્રની ત્વરીત મદદથી આ બે જગ્યાએ રેસ્ક્યુ ઓપરેશન કરીને કુલ-૨૯ વ્યક્તિઓની જિંદગી બચાવી શકાઇ છે.