દાંતા ના નવાવાસ ગામે ખેતરમાં પાણી ભરાવાને લીધે ફસાયેલા માલધારી સમાજના લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું..

બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા 

બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડા ને પગલે સતત બે દિવસ સુધી જિલ્લામાં તેજ ગતિના પવન સાથે વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા, નદી વિસ્તાર અને કાચાં મકાનોમાં રહેતા પરિવારો માટે આફત સર્જાઈ હતી, લોકોના ઘરોમાં પાણી ઘુસી જવા પામ્યાં હતા, ત્યારે આવી પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રની ટીમ તેમની વ્હારે આવી તેમને સુરક્ષિત સ્થળાંતર કરાવ્યું હતું..

દાંતા તાલુકાના નવાવાસ ગામમાં ખેતરમાં રહેતા માલધારી સમાજ ને માથે ભારે વરસાદ થી સંકટ તોળાયુ હતું, ગુરુવાર અને શુક્રવાર આમ બે દિવસ થયેલા ભારે વરસાદે જળબંબાકાર ની સ્થિતિ બનાવી દીધી હતી, જેના કારણે ખેતરમાં રહેતા માલધારી સમાજ ના લોકો મુસીબતમાં મુકાયા હતા અને લોકોના જીવ પડીકે બંધાયા હતા, ત્યારે ખેતરમાં પાણી ભરાવાના લીધે માલધારી સમાજના લોકો ફસાયા હોવાની તંત્રને જાણ થતાં તાલુકા પંચાયત દાંતા ની ટીમ દ્વારા માલધારી સમાજના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા ની કામગીરી હાથ ધરાઈ હતી..

બચાવ ટુકડી દ્વારા ફસાયેલા માલધારી સમાજ ના લોકો અને તેમના ઘરવખરી, માલસામાન ને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી તેમને આફતમાંથી ઉગારવામાં આવ્યા હતા, તંત્રની આ કામગીરી ને પગલે માલધારી સમાજે વહીવટી તંત્રનો આભાર માન્યો હતો..