કડી : કડી તાલુકાના ઝાલોડા ગામે બકરા ચોરાઈ જવાની બાબતે ગામના જ યુવકને ઢોર મારવામાં આવ્યો હતો. યુવક ટેમ્પો ચલાવીને ઘરે આવ્યો હતો અને તેમના જ ગામના બે ઈસમે તેને બોલાવીને લીમડે બાંધીને ઢોર માર માર્યો હતો. યુવકને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ અંગે બાવલુ પોલીસે બે ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. 

કડી તાલુકાના ઝાલોડા ગામે રહેતા સુરેશ પોતાની માલિકીનો ટેમ્પોમાં આજુબાજુ ગામડામાં ડુંગળી-બટાકા વેચી ગુજરાન ચલાવી રહ્યો છે. જેઓ પોતાનો ધંધો-વ્યવસાય કરીને પોતાના ઘરે આવ્યો હતો અને ચાલતા ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન તેમના જ ગામના કચરાભાઈએ સુરેશને બોલાવીને તેના ઘરે લઈ ગયા હતા. જ્યાં ઘરે કચરાભાઈનો દીકરો મહેન્દ્ર પણ હાજર હતો. જે દરમિયાન કચરાભાઈએ અને મહેન્દ્રભાઈએ સુરેશને પૂછ્યું હતું કે, અમારા બકરા પાંચ મહિના અગાઉ ચોરાઈ ગયા હતા અને જે બકરાની ચોરી તેને કરી છે જેવી બાબતે ચર્ચા ચાલી રહી હતી.બોલાચાલી થઈ હતી સુરેશે કહ્યું હતું કે, તે બકરા મેં ચોર્યા નથી જેવું કહેતા કચરાભાઈ તેમજ તેમનો દીકરો ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલવા લાગ્યો હતો અને દોરડાથી લીમડા સાથે બાંધી લાકડીઓ અને ધોકા વડે ઢોર માર માર્યો હતો.