આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે તા.૫ મી જુલાઇ, ૨૦૨૨ થી પ્રારંભાયેલો "વંદે ગુજરાત વિકાસ યાત્રા" નો રથ આજે અંતિમ દિને બોટાદના કાનિયાડ ગામની પ્રાથમિક શાળા ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું હર્ષભેર સ્વાગત કરાયું હતું. જિલ્લા કલેકટરશ્રી બી. એ. શાહની અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. ડી. પલસાણા ની પ્રેરક ઉપસ્થિતિમાં કાનીયાડ ગામે વંદે 'ગુજરાત વિકાસ યાત્રા' નો સમાપન કાર્યક્રમ યોજાયો હતો

           આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ૨૦ વર્ષની વિકાસ ગાથાના લેખાજોખા 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' થકી લોકો સમક્ષ મુકવામાં આવી રહ્યાં છે. જરૂરિયાત મંદ અને પાત્રતા ધરાવતા કોઈ લાભાર્થીઓ લાભથી વંચિત ન રહી જાય તેની પણ સવિશેષ કાળજી સરકારશ્રી દ્વારા રાખવામાં આવી રહી હોવાનું શ્રીશાહે ઉમેર્યું હતું.

         કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તા.૫ મી જુલાઈથી પ્રારંભાયેલી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' દરમિયાન બોટાદ જિલ્લામાં નવા લોકાર્પણ/ખાતમુહુર્તના અનેકવિધ કામો થકી બોટાદ શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોની જન સુખાકારીમા પણ વધારો થશે તેનો મને પૂરો વિશ્વાસ છે.

         શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, કાનીયાડ ગામ સહિત આસપાસના ગામના લોકો આગામી સમયમાં

ઘર આંગણે જ સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર થાય તે માટે પડતર જમીન પર GIDC નું નિર્માણ થવાની સાથે વખા નિગમ અંતર્ગત ગોડાઉનનુ વિશેષ માળખું ઉભું કરાશે તેવી પ્રતિબધ્ધતા શ્રી શાહે વ્યકત કરી હતી. 

         જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. ડી. પલસાણાએ 'વંદે ગુજરાત યાત્રા'દ્વારા લાભાર્થીઓને ઘર આંગણે જ લાભો આપીને લાભાન્વિત કરાયાં હોવાનું જણાવ્યું હતું. સરકારશ્રીની PMJAY યોજના લોકો માટે ખુબ જ આશીર્વાદ રૂપ બની છે. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓથી વંચિત કોઈ લાભાર્થીઓ હોય તો તેમણે તેવા તમામ લાભાર્થીઓને લાભ લેવાની હિમાયત કરી હતી. કોવિડ-૧૯ સામે રક્ષણ મેળવવા ૧૮ થી ૫૯ વયના પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને પ્રિકોઝનનો ડોઝ લેવાની શ્રી પલસાણાએ જાહેર અપીલ કરી હતી. 

         જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ સહિત અન્ય મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના- ૨.૦, સ્કૂલ કિટ્સ, PMJAY યોજના, વ્હાલી દિકરી યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, AGR- ૨ પા. સં. સા યોજના, AGR- ૪ તાડપત્રીના કાનીયાડ ગામના કુલ-૧૦ લાભાર્થીઓને વિવિધ સહાય/ મંજૂરી હુકમ એનાયત કરાયાં હતાં.આ પ્રસંગે વીસ વર્ષની વિકાસગાથા અંગેની શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ વેળાએ પ્રાંત અધિકારીશ્રી દિપકભાઈ સતાણી, મામલતદારશ્રી , બોટાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી જે. આર. ગોહિલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ. એન માંજરીયા, ગામના સરપંચશ્રી ઈશ્વરભાઈ ધરજીયા સહિત ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.