સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પિટલનો વિડીયો વાઇરલ થયો છે. સુરેન્દ્રનગર શહેરના એક નિવૃત પીએસઆઇની પત્નીએ હોસ્પિટલની દાદાગીરી અને હાલાકીનો દર્દનાક વીડિયો વાઇરલ કરતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર શહેરની સી.જે.હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોએ સારવારમાં બેદરકારી રાખી હોવાનો નિવૃત્ત પીએસઆઇની પત્નિ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગરના નિવૃત્ત પીએસઆઇ અને હાલ સુરેન્દ્રનગર શહેરની સી.જે.હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દી મુકુન્દરાય ભટ્ટને ડોક્ટરોએ બેદરકારી દાખવી ભગવાન ભરોસે મૂકી દીધા હોવાનો દર્દીના પત્નિ જાગૃતિબેન મુકુન્દરાય ભટ્ટે વિડીયો વાયરલ કરતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો છે. જેમાં દર્દી પતિ મોતના મુખમાં હોવા છતાં વધુ પૈસા લઈને ડિસ્ચાર્જ આપી દીધો હોવાનો ગંભીર આક્ષેપ મહિલાએ કર્યો હતો.જેમાં સુરેન્દ્રનગરના નિવૃત્ત પીએસઆઇ અને દર્દી મુકુન્દરાય ભટ્ટની પત્નિ જાગૃતિબેન ભટ્ટ નામની મહિલાએ વિડિઓ મારફત પોતાની વ્યથા વર્ણીવી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરની સી.જે.હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં એસી ચાલુ ન હોવાનું અને સારવાર સેવામાં વધુ પૈસા લઈને હડધૂત કર્યાનો વિડીયોમાં ઉલ્લેખ કરી મદદ માંગી છે. ત્યારે એક મહિલાનો વિડીયો વાઇરલ થતા પ્રજામાં હોસ્પીટલ તંત્ર સામે ફીટકારની લાગણી ફેલાઈ જવા પામી છે. હાલમાં તો સુરેન્દ્રનગર શહેરમાં આ વાયરલ વિડીયો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. જ્યારે હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું કે, હોસ્પિટલમાં ગમે તે વ્યક્તિ સારવાર અર્થે આવે એને યોગ્ય અને સારી જ સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલ માટે જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ તદન પાયાવિહોણા છે.