સુરેન્દ્રનગર એલસીબીના પીઆઇ વી.વી.ત્રિવેદી સહિતના પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન પાક્કી બાતમી મળી હતી કે, પાટડી તાલુકાના ગેડીયા ગામના સોહરાબખાન બીસ્મીલાખાન મલેક અને સાહીરખાન અલીખાન મલેક ટ્રકમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો વિદેશી દારૂનો જથ્થો મંગાવેલો છે. અને માલવણથી સુરેન્દ્રનગર જતા હાઇવે પર સેડલા ગામની સીમમાં રામાપીરના મંદિરથી અલીપીરની દરગાહ જતા જૂના કાચા મારગ પર અવાવરૂ જગ્યાએ ટ્રક રાખી તેમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો પોતાના સાગરીતો મારફતે અન્ય વાહનોમાં કટીંગ કરી કરાવતા હોવાનું માલુમ પડ્યું હતુ.જે બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે અચાનક દરોડો પાડી આરોપીઓ દ્વારા કરવામાં આવતું વિદેશી દારૂની કટીંગ રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યું હતુ. અને સુરેન્દ્રનગર એલસીબી ટીમ દ્વારા દરોડાની જગ્યાએથી ટ્રક કિંમત રૂ. 15 લાખ, બોલેરો ગાડી કિંમત રૂ. 3 લાખ, વિદેશી દારૂની વિસ્કીની બોટલો નંગ- 2,220 કિંમત રૂ. 8,32,500, વીસ્કીની નાની બોટલો નંગ- 528 કિંમત રૂ. 52,800 તથા વિસ્કીની બોટલો નંગ- 1,788 કિંમત રૂ. 7,15,200 મળી કુલ રૂ. 34,00,500નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ગેડીયા ગામના સોહરાબખાન બીસ્મીલાખાન મલેક અને સાહીરખાન અલીખાન મલેક સહિત ટ્રક અને બોલેરો ચાલક સહિત વિદેશી દારૂનો જથ્થો મોકલાવનારા અને તપાસમાં નામ ખુલે એ બધા સામે બજાણા પોલીસ મથકે દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી એમને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરેન્દ્રનગર એલસીબીના આ દરોડામાં પી.આઇ. વી.વી.ત્રિવેદી, ચમનભાઇ જશરાજભાઇ, ગોવિંદભાઇ આલાભાઇ, ભુપેન્દ્રકુમાર જીણાભાઇ અને અનિરુદ્ધસિંહ ભરતસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.