શ્રીનાથ સોસાયટીમાં પરવાનગી વગરના બાંધકામ પર નગરપાલિકાની રોક
પાલિકાની મંજૂરી વગર સોસાયટીમાં કેટલાંક મકાનોનું બાંધકામ કરાતાં નિર્ણય
ધાનેરા નગરપાલિકાના વોર્ડ નં.-7 માં આવેલ શ્રીનાથ સોસાયટીમાં કેટલાક દલાલો બે-ચાર પ્લોટ ભેગા કરીને તેમાં મકાનો બનાવી વેચાણ કરતા હતા અને પાલિકાની મંજૂરી વગર કામ થયું હોવાથી પાલિકા દ્વારા આવા કામો ન કરવા રોક લગાવી છે.
દલાલો ચાર-પાંચ પ્લોટ ભેગા કરી તેમાં વગર પરવાનગીએ 100 ટકા બાંધકામ કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ બાબતે નગરપાલિકાને ફરિયાદ કરતાં આ શ્રીનાથ સોસાયટીમાં આવી રીતે કામ કરતા ધનુભાઇ રબારી નામના કોન્ટ્રાકટરને નગરપાલિકાએ આવા બાંધકામ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે નોટીસ પાઠવવામાં આવી છે અને જો બાંધકામ બંધ કરવામાં નહી આવે તો ગુજરાત નગરપાલિકાના અધિનિયમન-1963 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું છે.
આ અંગે સોસાયટીના રહીશ કરમણભાઇએ જણાવ્યું હતું કે ‘આવા લોકો ચાર-પાંચ પ્લોટ ભેગા કરીને આડેધડ હલકી ગુણવત્તાનું બાંધકામ કરીને મકાનો વેચી દેતા હોય છે અને 100 ટકા બાંધકામ હોવાથી તે મકાન માલિકોને પોતાના વાહનો કે અન્ય વસ્તુ અંદર મુકવા માટે જગ્યા ન હોવાથી રસ્તા ઉપર મુકીને રસ્તામાં દબાણ કરતા હોવાથી આવા લોકો સામે પાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવે નહી તો અમે કલેકટરમાં પણ રજૂઆત કરીશું.
અહેવાલ અમૃત માળી ડીસા