અમરેલી એસ.ટી. વિભાગને ફાળવવામાં આવેલી ૨૨ અદ્યતન બસને મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ નારણભાઈ કાછડિયાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ
અમરેલી જિલ્લાના નાગરિકોની પરિવહન સગવડમાં ઉમેરો થયો
અમરેલી એસ.ટી. વિભાગના વિવિધ ડેપોમાંથી રાજ્યના વિવિધ શહેરો સાથે ૦૬ સ્લીપર બસ, ૦૬ લક્ઝરી બસ, ૧૦ મીની બસ મુસાફરોને વાહન સગવડ - સેવામાં વધારો કરશે
આરામદાયક સોફા, પુશબેક સીટ, રીડિંગ લાઈટ, મોબાઈલ ચાર્જીંગ જેવી અદ્યતન સુવિધા અને સેફ્ટી સાથેની આકર્ષક બસોથી મુસાફરી આરામદાયક બનશે
અમરેલી, તા.૨૫ મે, ૨૦૨૩ (ગુરુવાર) રાજ્ય સરકારની વિકાસયાત્રામાં અમરેલી જિલ્લાના નાગરિકો માટે દિનપ્રતિદીન નવી નવી સુવિધાઓમાં ઉમેરો થઈ રહ્યો છે. જનસુખાકારી અને લોકકલ્યાણને વરેલી રાજ્ય સરકારની વણથંભી વિકાસયાત્રામાં અમરેલી અગ્રહરોળમાં આગળ વધી રહ્યું છે. વિકાસલક્ષી અભિગમની કડીના ભાગરુપે અમરેલી એસ.ટી. વિભાગને ફાળવવામાં આવેલી અદ્યતન ૨૨ નવી બસોને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ નારણભાઈ કાછડિયાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ. રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી આ બસોમાં, ૦૬ સ્લીપર બસ, ૦૬ લક્ઝરી બસ, ૧૦ મીની બસનો સમાવેશ થાય છે. આ બસોમાં સેફ્ટીના આધુનિક ધોરણો સાથે મુસાફરીને આરામદાયક બનાવવા માટે એસ.ટી દ્વારા અદ્યતન સુવિધાઓ આપવામાં આવી છે. અમરેલી જિલ્લાને મળેલી આ નવી બસ દ્વારા નાગરિકોની સુખાકારી અને સુવિધામાં ચોક્કસપણે વધારો થશે તેવો વિશ્વાસ નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ નારણભાઈ કાછડિયાએ વ્યક્ત કર્યો હતો.
સ્લીપર અને લક્ઝરી બસમાં આરામદાયક સોફા, પુશબેક સીટ, રીડિંગ લાઈટ, મોબાઈલ ચાર્જીંગ જેવી સુવિધા મળશે. તમામ બસમાં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ યુરો-૬ નોર્મ્સનું સ્લીપર કોચ વાહન ઇમરજન્સી એડજસ્ટ બેકસાઈડ, એબીએસ બ્રેક સીસ્ટમ, ટોપ એર વિંગ્સ યુક્ત છે. જ્યારે મીની બસમાં પાર્કિંગ સેન્સર, રીયર વ્યૂ કેમેરા અને આરામદાયક સીટીંગ આપવામાં આવ્યું છે. આ અદ્યતન બસ અમરેલી જિલ્લાના વિવિધ ડેપોથી મહાનગરો સાથે અને તાલુકા મથકો તેમજ ગામડાં સાથેના મુસાફરોની અવરજવરને સરળ બનાવશે.
નવી ૦૬ સ્લીપર બસ અમરેલીથી સુરત, રાજુલાથી ભુજ, રૂટમાં અવર જવર માટે ફાળવવામાં આવી છે. જ્યારે ૦૬ લક્ઝરી બસ અમરેલી-ભુજ, અમરેલી-કૃષ્ણનગર, સાવરકુંડલા-અમદાવાદ, દીવ-અમદાવાદ, ઉના-અમદાવાદ રૂટમાં અવર જવર માટે ફાળવવામાં આવી છે. જ્યારે ૧૦ મીની બસ, અમરેલી-ઉપલેટા, અમરેલી-જુનાગઢ, અમરેલી-ભેંસાણ-જુનાગઢ, સાવરકુંડલા-ધોરાજી, અમરેલી-ઉના, બગસરા-કુંકાવાવ-રાજકોટ, બગસરા-તોરી-રાજકોટ, અમરેલી-રાજુલા, ધારી-રાજકોટ, અમરેલી-ધારી રૂટમાં અવર જવર માટે ફાળવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હાથે નવી બસનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રીબિન કાપી અને બસના નિરીક્ષણ બાદ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલિયા, એસ.ટી.ના ડીએમઇ દવે, વિભાગીય નિયામક પી.પી.ધામા, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ ચેરમેન વિપૂલભાઈ દુધાત, સહિત તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ અને એસ.ટી. વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા