ખાણખનીજ વિભાગનો સપાટો: બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં ડ્રોનની મદદથી રેતી ચોરી ઝડપી પાડી, દોઢ કરોડનો મુદ્દામાલ કબજે કરાયો
બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને ખનીજ માફિયાઓ પણ બેફામ બન્યા હોવાની વારંવાર ફરિયાદોને પગલે ભૂસ્તર વિભાગ સતર્ક બન્યુ હતું. તે દરમ્યાન દાંતીવાડાના જાત ગામે ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ મળતા જ ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહે અલગ અલગ બે ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને ડ્રોન સર્વિલન્સ દ્વારા ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરીલ 5 ડમ્પર અને 6 ટેક્ટર ઝડપી પાડ્યા છે જેમાં કુલ 1.50 કરોડનો મુદામાલ કબ્જે કરી તમામ વાહનો સામે દંડની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહે જણાવ્યું હતું કે મોડી રાત્રે ચેકીંગ દરમ્યાન દાંતીવાડાના જાત ગામે પાસેથી ગેરકાયદેસર ખનન ઝડપાયું છે જેમાં પાંચ ડમ્પર અને છ ટ્રેક્ટર જપ્ત કર્યા છે જ્યારે તપાસ કર્યા બાદ ડમ્પર માલિકો અને લીઝ માલિકને દંડ ફટકારવામાં આવશે.