રોડ સેફ્ટી એક્શન પ્લાન ૨૦૨૩-૨૦૨૪
અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં માર્ગ અકસ્માતની સંખ્યા અને મૃત્યુની સંખ્યામાં ૨૫ ટકા સુધી ઘટાડો કરવાનો લક્ષ્ય
રોડ સેફ્ટી સ્ટ્રેટેજિક એક્શન પ્લાન ૨૦૨૩-૨૪ને મંજૂરી આપતા રોડ સેફ્ટીં કાઉન્સીલના અધ્યક્ષશ્રી-વ-જિલ્લા કલેક્ટરશ્રી
અમરેલી, તા.૨૨ મે, ૨૦૨૩ (સોમવાર) જિલ્લામાં માર્ગ સલામતી સુનિશ્ચિત થાય અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો તે માટે રોડ સેફ્ટી કાઉન્સીલના અધ્યક્ષશ્રી-વ-કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને ગત તા.૨૦ જુલાઈ,૨૦૨૨ના રોજ રોડ સેફ્ટી કાઉન્સીલનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કાઉન્સીલમાં અધ્યક્ષ-વ-કલેક્ટરશ્રી દ્વારા રોડ સેફ્ટી સ્ટ્રેટેજિક એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના અંતર્ગત તૈયાર કરવામાં આવેલા રોડ સેફ્ટી સ્ટ્રેટેજિક એક્શન પ્લાન ૨૦૨૩-૨૪ને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પ્લાન મુજબ અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં માર્ગ અકસ્માતની સંખ્યા અને મૃત્યુની સંખ્યામાં ૨૫ ટકા સુધી ઘટાડો કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ પ્લાન મુજબ જિલ્લા માર્ગ સલામતિ સમિતિ તૈયાર કરવામાં આવી છે અને રોડ સેફ્ટીનાં પાંચ E અંતર્ગત કમિટીનાં તમામ સભ્યશ્રીઓને વિવિધ કામગીરી સોંપવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરશ્રી છે ત્યારબાદ જિલ્લાના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓને આ કમિટીમાં વિવિધ પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે.
રોડ સેફ્ટી કાઉન્સીલના અધ્યક્ષ-વ-કલેક્ટરશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલા સ્ટ્રેટેજિક પ્લાન અંતર્ગત જિલ્લામાં પાર્કિંગ અને ટ્રાફિકના સુચારુ અમલ માટે વિવિધ સભ્યશ્રીઓને કામગીરી સોંપવામાં આવી છે. આ પ્લાન મુજબ પાર્કિંગની વ્યવસ્થા અને અમલીકરણ, જાહેર માર્ગોના અતિક્રમણ દૂર કરવા, ગ્રામીણ અને હાઈવે માર્ગોના અતિક્રમણ દૂર કરવા, લારી ગલ્લા માટે નિયત જગ્યાઓ કરવી, ટ્રાફિક સિગ્નલ, સ્ટ્રીટ લાઈન, હાઈ માસ્ટ ઉભા કરવા, હેલમેટ, સીટ બેલ્ટ, ઓવરસ્પીડીંગ, ચાલુ ડ્રાઈવીંગમાં મોબાઈલમાં વાત કરવાના કાયદાનું ઉલ્લંઘન, વગેરે લગતા ટ્રાફીકના કાયદાઓનું અમલીકરણ કરાવવું. અંતરિયાળ વિસ્તારમાં એસ.ટી.ની સુવિધાઓ પહોંચાડવી, ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સ્કુલ બસનું પાલન, સ્કુલ બસના હેલ્થ સર્ટિફિકેશન, વીમા, પરમીટની તપાસણી, સ્કુલ બસ, રીક્ષાના ડ્રાઈવરો માટે માર્ગ સલામતી સેમિનારનું આયોજન, રખડતા ઢોરને નિયંત્રિત કરવા માટે સીસ્ટમની સ્થાપના કરવી, ઈન્ટરસેપ્ટર વાન, સ્પીડગન, આલ્કોમીટર સાધનો વધારવા, જિલ્લામાં ટ્રાફીક પોલીસ સ્ટેશનોની સ્થાપના કરવી, હાઈવે પર ટ્રાફીકના ગુનાઓની તપાસ કરતા વાહનોની સંખ્યા વધારવી, અકસ્માતોની સંખ્યા ઘટાડવા બ્લેક સ્પોટની ઓળખ કરી તેની સુધારણા કરવી.
જિલ્લાના ડુંગરાળ વિસ્તાર અને અને ધોરીમાર્ગની આજુબાજુમાં વોટર બોડી હોય ત્યાં માર્ગ સલામતીના પગલાં લેવાની આવશ્યકતા જણાતી હોય ત્યાં તેનું આયોજન કરવું, ટ્રાફીકમાં ઘટાડો કરવા વૈકલ્પિક રૂટ જાહેર કરવા, રોડરસ્તા પરના ખાડા સુધારવા, માર્ગની મરામત કરાવવી, ખાડાનું પૂરાણ, જરુરી જણાય ત્યાં રેલિંગ કરાવવી, સ્કુલ કોલેજ, ડ્રાઈવર વર્ગ અને સમૂહ વર્ગમાં માર્ગ સલામતિના કાયદાના મેળા-સેમિનાર, પેમ્પલેટ, બુક્સ વગેરે દ્વારા પ્રચાર પ્રસાર કરવાનો રહેશે.
જિલ્લામાં આ વિષય સંદર્ભે રસ ધરાવતા એનજીઓને જોડી અને જાગૃતિ કાર્ય હાથધરવામાં આવશે. સંકટ સમયે ઈમરજન્સી સેવા ૧૦૮નો વ્યાપક ઉપયોગ અને તેનો પ્રચાર પ્રસાર કરી અને અકસ્માતના ગોલ્ડન અવરમાં સારવાર મળે તે માટે આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત માર્ગ અકસ્માતનો ભોગ બનનારને કમ્પનસેશન ટુ વિક્ટીમ ઓફ હીટ એન્ડ રન, મોટર એક્સીડેન્ટ સ્કિમ, ૨૦૨૨ મુજબ સહાયતા માટે કાર્યવાહી કરવા તેમજ પોલીસ સ્ટાફ, ટીઆર.બી સ્ટાફને પ્રાથમિક સારવારની તાલીમ આપવાનો નિર્ધાર છે. જિલ્લામાં આવેલા સંભવિત અકસ્માત ક્ષેત્રોમાં ટ્રોમા સેન્ટરની સ્થાપના સહિતનાં જરૂરી પગલાં ભરવા માટે વિવિધ સભ્યશ્રીઓને કામગીરી સોંપવામાં આવી છે.
આ તમામ પગલાંઓ દ્વારા સંયુક્ત રીતે અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતની સંખ્યા અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવશે તેમ, સેફ્ટી કાઉન્સિલના સભ્ય સચિવશ્રી -વ-સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા