આર્થિક રીતે પછાત વર્ગોના સમુહ માટે રાજ્ય સરકારની માનવ કલ્યાણ યોજના

માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ ૨૭ પ્રકારના ટ્રેડના સાધનો-ઓજારોનો લાભ મળે છે

ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે પછાત વર્ગોના સમુહને પુરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે ઓજારો/સાધનો આપવામાં આવે છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ ૨૭ પ્રકારના ટ્રેડના સાધનો –ઓજારોનો લાભ આપવામાં આવે છે. 

જેમાં કડીયાકામ, સેન્ટીંગ કામ, વાહન સર્વિસીંગ અને રીપેરીંગ, મોચી કામ, ભરત કામ, દરજી કામ, કુંભારીકામ વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બર, બ્યુટીપાર્લર, ઇલેક્ટ્રિક રીપેરીંગ, ખેતીલક્ષી લુહારી, વેલ્ડીંગ કામ, સુથારી કામ, ધોબી કામ, સાવરણી, સુપડા બનાવનાર, દુધ-દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણાં બનાવટ, ગરમ, ઠંડા પીણા અલ્પાહાર વેચાણ, પંચર કીટ, ફલોર મીલ, મસાલા મીલ, રૂની દિવેટ બનાવવી(સખી મંડળની બહેનો), મોબાઇલ રીપેરીંગ, પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ), હેર કટીંગ (વાળંદ કામ)નો સમાવેશ થાય છે. 

 આ યોજનાનો લાભ સમાજના નબળા વર્ગોના લોકો કે જેની ઉંમર ૧૬ વર્ષથી ૬૦ વર્ષ સુધીની હોય અને કુંટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧૨૦૦૦૦ અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧૫૦૦૦૦ સુધીની હોય અથવા ગ્રામ્ય વિસ્તાર માટે ૦ થી ૧૬ બીપીએલનો સ્કોર ધરાવતા હોય અને શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ ધરાવતો હોય તેવા લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. 

 આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે www.e-kutir.gujarat.gov.in પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં અરજદારે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની પ્રથમ પાનાની તથા બીજા પાનાની પ્રમાણિત નકલ જેમાં અરજદારના નામનો સમાવેશ થયેલ છે. 

ઉંમરનો પુરાવો, (જન્મનો દાખલો, આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઇ પણ એક), ગ્રામ્ય વિસ્તાર બીપીએલનો દાખલો સ્કોર નંબર સાથે અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ અથવા આવકનો દાખલો(સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીનો), સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, જાતિનો દાખલો(સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીનો) - દસ્તાવેજી પુરાવા અપલોડ કરવાના રહશે. વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ખરોડ, દાહોદનો સંપર્ક સાધવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, દાહોદના જનરલ મેનેજરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.