ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો યુવક ઝડપાયો....
હાલમાં ચાલી રહેલ આઇપીએલ મેચનો મોબાઇલમાં સટ્ટો રમતા ડીસાના યુવકને શહેર દક્ષિણ પોલીસે ઝડપી લીધો છે. જ્યારે યુવકને આઈડી આપનાર અમદાવાદના શખ્સ સામે પણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પીઆઇ શક્તિસિંહ ગોહિલની સૂચનાથી પોલીસ સ્ટાફ દારૂ જુગાર સહિતના કેસોની ડ્રાઇવમાં હતો. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, ડીસાની જમનાબાઈ પ્રાથમિક શાળા પાસેના શોપિંગ સેન્ટરમાં એક યુવક મોબાઈલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે. જેથી પોલીસે સ્થળ પર પહોંચતા કૃણાલ પ્રકાશભાઈ પઢિયાર (રહે. જલારામ સોસાયટી ભાગ 1, ડીસા) પાસેથી મોબાઇલ લઈ ચેક કરતા તે ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું જણાયું હતું. કૃણાલે મોબાઇલમાં માસ્ટર આઇડી મહેન્દ્રભાઈ દેવશીભાઈ પ્રજાપતિ ( હાલ, રહે. અમદાવાદ મૂળ રહે, ડીસા ગાયત્રી નગર ) પાસેથી મેળવી સટ્ટો રમતો હતો. જેથી પોલીસે આ અંગે ગુનો નોંધી કૃણાલની અટકાયત કરી હતી. જ્યારે મહેન્દ્ર પ્રજાપતિ સામે પણ ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.