પાલનપુર તાલુકાના ભાવીસણાના રહેવાસી અને હાલ ગઠામણ પાટીયા સધીમાતાના મંદિર નજીક રહેતા ઠાકોર પરિવારની કોરોનામાં પિતાને ગુમાવી દેનારી દીકરીનું પાલનપુરના મુસ્લિમ દંપતીએ કન્યાદાન કરી કોમી એખલાસનું અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ.
કોમી એખલાસનું અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું
પાલનપુરમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં પાલનપુર ખોડા લીમડા વિસ્તારમાં રહેતા મુસ્લિમ દંપતી મશરૂફ અહેમદ મહેબુબબક્ષ કુરેશી અને તેમના પત્ની નસીમબાનુએ કન્યાદાન કરી કોમી એખલાસનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે, 20 વર્ષ અગાઉ મારાપુત્ર વસીમે મુળ પાલનપુર તાલુકાના ભાવીસણા ગામના કેસીબેન અજમલજી ઠાકોરને ધર્મની બહેન બનાવી તેમની બંને દીકરીઓના લગ્ન કરી આપવાનું વચન આપ્યું હતુ. જોકે, વસીમનું નિધન થઇ જતાં પુત્રનું વચન નિભાવવાનું અમે નક્કી કર્યુ હતુ.
તેમણે એકલે હાથે બે દીકરીઓને ઉછેરી મોટી કરી
આ દરમિયાન કેસીબેનના પતિ અજમલજીનું પણ બે વર્ષ અગાઉ કોરોનામાં નિધન થઇ ગયું હતુ. તેમણે એકલે હાથે બે દીકરીઓને ઉછેરી મોટી કરી છે. જ્યાં ગઠામણ પાટીયા સધીમાતાના મંદિર નજીક અમારા ગોડાઉને રીંકુબેનના લગ્ન લેવાયા હતા. જેનું કન્યાદાન કરી અમે વચન નિભાવ્યું છે. દીકરીની માતા કેસીબેને જણાવ્યું કે, ધર્મનો ભાઇ ગુમાવ્યો, તે પછી પતિ પણ અમને છોડીને ચાલ્યા ગયા આવી સ્થિતિમાં મશરૂફભાઇ અને નસીમ બેને મારી દીકરીનું કન્યાદાન કરી પરભવનો સબંધ પુરો કર્યો છે. જે જીવનભર કદી ભૂલી શકીશ નહી.