બનાસકાંઠામાં ડીસા તાલુકાના મુડેઠા ગામે તળાવમાં નાહવા પડેલા આઠ વર્ષના બાળકનું ડૂબી જતા મોત નીપજ્યુ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. જ્યારે ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે કલાકો સુધી શોધખોળ કરી લાશને બહાર કાઢી છે.
ડીસા તાલુકાના મુડેઠા ગામે તળાવમાં નાહવા પડેલા આઠ વર્ષના બાળકનું ડૂબી જતા કરુણ મોત નીપજ્યું છે. મુડેઠા ગામે રહેતો દશરથ વાલ્મીકિ નામનો આઠ વર્ષ બાળક સાંજના સમયે તળાવમાં નાહવા પડ્યો હતો. તે દરમિયાન દશરથ તરતા તરતા તળાવના ઊંડા પાણીના વમળમાં ફસાઈ જતા તે ડૂબી ગયો હતો.
આ બનાવની જાણ થતા જ આજુબાજુના લોકો તેમજ ગ્રામજનો દોડી આવ્યા હતા અને બાળકને બહાર નીકળવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારબાદ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ પણ સેફટીના સાધનો સાથે તરત જ બનાવ સ્થળે પહોંચી હતી. અંદાજિત દોઢથી બે કલાકની શોધખોળ બાદ બાળકની લાશને બહાર કાઢી હતી. તળાવમાં નાહવા પડેલા બાળકનું મોત થતા ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.