થરાદ-વાવ હાઇવે પર એક જીપડાલાના ચાલકે રોંગસાઇડે જઇ સામેથી પર આવી રહેલા થરાદના મલુપુર ગામના દિયર-ભાભીના બાઇકને ધડાકાભેર ટકકર મારી હતી. આથી ગંભીર ઇજા થવાના કારણે બંનેનું સ્થળ પર મોત નિપજ્યું હતું.પોલીસે નાસી છુટેલા ડાલા ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બુધવારે રાતના સાડા નવ વાગ્યાના સુમારે થરાદના મલુપુર ગામના પુજાભાઇ મશરૂભાઇ રબારી તથા તેમના પિતરાઇ જોરાભાઇની પત્ની શંકુબેન બન્ને દિયર-ભોજાઇ તેમનું બાઇક નંબર જીજે-01-એમજે-0791 લઇ ઘરેથી વાવમાં માતાના મંદિરની પ્રતિષ્ઠાની રમેલમાં જઇ રહ્યા હતા.
જેમને વાવ-થરાદ હાઇવે પર ગોકુળગામ (ચારડા) ગામના પાટીયા પાસે સામેથી આવતાં પીકઅપ ડાલા નંબર જીજે-24-યુ- 4469 ના ચાલકે પૂરઝડપે રોંગસાઇડમાં હંકારી પુજાભાઇના બાઇકને સામેથી ટક્કર મારી હતી. આથી પુજાભાઇ મશરૂભાઇ રબારી (ઉં.વ.20) ને માથામાં ગંભીર ઇજા તેમજ પેટમાં સળીયો ઘુસી જવાથી તથા શંકુબેન જોરાભાઇ રબારી (ઉં.વ.35) ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બંન્ને દિયર-ભાભીનાં સ્થળ પર કરૂણ અને કમકમાટી ભર્યાં મોત નીપજ્યું હતું.
બનાવ અંગે મૃતકના કાકા મેવાભાઇ રામાભાઇ રબારી (ઉં.વ.50, રહે.મલુપુર પંચાયત પાસે,તા.થરાદ) ની ફરિયાદના આધારે પોલીસે પીકઅપ ડાલુ મુકી નાસી છુટેલા ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક પુંજાભાઈ અપરણિત હતા. જ્યારે તેમના ભાભી શંકુબેનને સંતાનમાં બે પુત્રો હતા. માતાના મોતથી બંનેની મમતા છીનવાઈ હતી. પરિવારમાં બે સદસ્યોના આકસ્મિક મોતથી ગામ અને પંથકમાં શોકની લાગણી પ્રસરવા પામી હતી.