લાખણીના ધૂણસોલના ખેડૂત બુધવારે મોડી સાંજે બાઈક પર ખેતરેથી ઘરે જઈ રહ્યા હતા. ખેડૂતને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ મોતને ભેટ્યો

લાખણી તાલકાના ધૂણસોલ ગામ પાસે બુધવારે મોડી સાંજે ખેતરેથી ઘરે જઈ રહેલા ખેડૂતનું બાઈક આખલા સાથે અથડાતાં આખલાએ છાતીમાં શિંગડું મારતાં લોહી લુહાણ હાલતમાં ખેડૂતને લાખણીની સરકારી હોસ્પિટલ લઈ ગયા જ્યાં સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હતું.જેને લઈ ગમગીની છવાઈ ગઈ હતી.

લાખણી તાલુકાના ધુણસોલ ગામમાં રહીને ખેતી કામ કરતા ઈશ્વરભાઈ મનજીભાઈ ચૌહાણ (ઉ.48) બુધવારે સાંજના છ વાગે ડેકા પાટીયા નજીક આવેલા પોતાના ખેતરમાં આંટો મારવા ગયા હતા. જે સાડા સાતેક વાગ્યાના અરસામા પરત ધૂણસોલ તરફ આવતા વખતે રસ્તામા અચાનક આખલો આવી જતા તેમનુ બાઈક આખલા સાથે અથડાતા આખલાએ ઈશ્વરભાઈની છાતીના જમણા ભાગે શિંગડુ ઘૂસેડી દીધું હતી.લોહી લુહાણ હાલતમાં તેમને આસપાસના લોકો લાખણી સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતાં જ્યાં ફરજ પરના તબીબે ઈશ્વરભાઈને મૃત જાહેર કર્યા હતા. અગથળા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે તેમના અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

આ અંગે સરપંચના પુત્ર ભમરાજી ઠાકોરે જણાવ્યું હતું કે, બુધવારે રાત્રે અમને સમાચાર મળતા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ હાલતમાં ઈશ્વરભાઈને હોસ્પિટલ પણ લઈ ગયા હતા પરંતુ લોહી વધુ પ્રમાણમાં નીકળી જવાના લીધે જીવ બચાવી શક્યા ન હતા. આ વિસ્તારમાં આખલા ફરે છે. અમે અવારનવાર ભગાડી દઈએ છીએ એટલે ગૌચરમાં ચરે છે. ક્યારેક કોઈને વગાડે છે પરંતુ મોત નિપજાવી દીધું હોય એવો પહેલો બનાવ બન્યો છે."

આ અંગે ઈશ્વરભાઈના પિતરાઈ ભાઈ દલપતભાઈએ જણાવ્યું હતું કે, "દોઢ કિલોમીટર દૂર ખેતર આવેલું છે. જ્યાંથી જમવા માટે ઘરે આવી રહ્યા હતા અને રોડની વચ્ચોવચ જ આ બનાવ બન્યો હતો. રાત્રે અંતિમવિધિ બતાવ્યા બાદ ગુરુવારે સવારે આગથળા પોલીસે ઘટના સ્થળનું પંચનામું કર્યું છે. "