ખેડૂત પુત્રોની સિદ્ધિ: ધાનેરા તાલુકાના શિયા અને મડાણાના યુવકોએ કેનેડામાં ઉચ્ચ અભ્યાસ કરી સફળતાની કેડી કંડારી
બનાસકાંઠા જિલ્લા ધાનેરા તાલુકાના શિયા ગામના ખેડુત રમેશભાઇ જોધાભાઇ સોલંકીના પુત્ર ઉત્તમ સોલંકીને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી માતા-પિતાનું સપનું પુરૂ કરવું હતું. ધ્યેયને સિધ્ધ કરવા સાહસની પણ જરૂર પડતી હોય છે. રમેશભાઇ સોલંકી ગામડામાં રહેતા ખેડુત હોવા છતાં તેમણે તેમના બધા જ બાળકોને સારુ શિક્ષણ અપાવ્યું છે. તેમણે તેમના સૌથી મોટા પુત્ર ઉત્તમને ખેરવા ગણપત યુનિવર્સિટીમાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઇ.ટી. એન્જીનિંયરીંગમાં ગ્રેજયુએશન કરાવ્યું છે. ગ્રેજ્યુએશન બાદ માસ્ટર ડીગ્રી કરવા માટે તેને વિદેશમાં ભણવાની અદમ્ય ઇચ્છા હતી. ઉત્તમના પિતા રમેશભાઇ સોલંકીને પણ દિકરાને વિદેશ ભણાવવાની ખુબ ઇચ્છા હતી. એટલે ઉત્તમે કેનેડાની વિન્ડસર યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરી અને તેમાં એડમિશન પણ મળી ગયું. સાથે જ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં તપાસ કરી. ત્યાંથી તેમને જાણકારી મળી કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રાજય સરકાર દ્વારા સાવ નજીવા વ્યાજના દરે રૂ. 15 લાખ સુધીની લોન આપવામાં આવે છે. ઉત્તમે પણ આ લોન માટે અરજી કરતાં તેઓને માત્ર 4 ટકાના વ્યાજદરની રૂ. 15 લાખની લોન મળતાં હાલ તેઓ કેનેડાની વિન્ડસર યુનિવર્સિટીમાં આઇ.ટી. એન્જીનિયરીંગમાં માસ્ટર ડીગ્રીનો અભ્યાસ પૂર્ણ કરી ત્યાં નોકરી કરી સારું કમાઇ રહ્યો છે.