પાવીજેતપુર પંથકમાં વાતાવરણમાં પલટો આવતા પશુનો ઘાસચારો બચાવવા દોડધામ કરતા કિસાનો

            પાવીજેતપુર પંથકમાં વાતાવરણમાં પલટો આવી વાદળછાયુ વાતાવરણ થતાં પશુનો ઘાસચારો બચાવવા માટે કિસાનોના માથે ટેન્શનના વાદળો છવાઈ જવા પામ્યા છે. 

           સમગ્ર ગુજરાતમાં પાંચ દિવસ માવઠું થવાની આગાહી થઈ હોય ત્યારે પાવીજેતપુર પંથકમાં આજરોજ વાતાવરણમાં પલટો આવી જઈએ વાદળછાયુ વાતાવરણ થતાં કિસાનો ના જીવ તાળવે બંધાઈ ગયા હતા. પશુને જીવવા માટે જે ઘાસચારાની જરૂર હોય છે તે ઘાસચારો બચાવવા માટે કિસાનો ખેતરોમાં લાગી ગયા હતા. પશુઓના ઘાસચારામાં વપરાતું બાટુ તેમજ મકાઈના રાડા ખેતરોમાં ખુલ્લા પડ્યા હતા ત્યારે કિસાનો મજૂરો લગાવી તાત્કાલિક કપાવીને ઢગલા મારી દીધા હતા તેમજ જેની પાસે જગ્યા મોટા પ્રમાણમાં છે તેવા કિસાનો એ ટ્રેક્ટરો ભરી ભરી પોતાના ઘરોના કોઢયામાં તેમજ ઘરના અન્ય રૂમોમાં ઘાસચારાને મહેફૂઝ કરવાની પેરવીમાં લાગી ગયા હતા. સામાન્ય રીતે પાટુ તેમજ મકાઈના રાડા ઉપર વરસાદના ચાર છાંટા પડતા જ તે ભીનું થઈ જાય છે, ગંધાઈ જાય છે જેને પશુઓ ખાતા જ નથી. અંતે આ ઘાસચારાને ઉકેડામાં ફેંકવાનો વારો આવે છે. 

           આમ, વાતાવરણમાં પલટો આવતાં જ કિસાનો પોતાના પશુઓને જીવડાવવા માટે સૌપ્રથમ ઘાસચારો બચાવવામાં લાગી ગયા છે. ધરતીપુત્ર ઉપર તો પડતા પર પાટુ પડે તેમ રોજેરોજ પરિસ્થિતિ બદલાતી રહે છે. એક તરફ પોતે તેમજ પોતાના પરિવારને પાલવવો, બીજું બાજુ પશુપાલન કરવા માટે ઘાસચારાની જરૂર અને એ ઘાસચારો બચાવવા માટે જગ્યા ની જરૂર, નાના કિસ્સાનો પાસે સ્વભાવિક રીતે જ મોટી જગ્યાઓ ન હોય ત્યારે તેવા કિસાનો ખેતરોમાં જ ઘાસચારાને કાપી પ્લાસ્ટિકની તાડપત્રી ઢાંકી ઘાસચારાનું રક્ષણ કરતાં જોવા મળ્યા હતા.