સૂરત વિસ્તારના દિવ્યાંગજનો માટે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું
ગાંધીનગરના દિવ્યાંગ વ્યકિતઓ માટેના કમિશ્નર શ્રી વી.જે.રાજપૂતના અધ્યક્ષસ્થાને સૂરત કલેકટર કચેરી ખાતે દિવ્યાંગ મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૂરત શહેરના દિવ્યાંગજનો દ્વારા ૩૦૦ જેટલા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
કમિશ્નર શ્રી વી.જે.રાજપૂતે જણાવ્યું હતું કે, મોબાઈલ કોર્ટનું આયોજન દિવ્યાંગજનો માટે કરવામાં આવે છે અને જે તે વિસ્તારમાં જઈને કરવામાં આવે છે. જેથી દિવ્યાંગજનોને તકલીફ પડે નહીં. તેમણે મોબાઈલ કોર્ટ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાના દિવ્યાંગજનોને નોકરી, પસંદગી મંડળ, બેંક, ચાર ટકા અનામત નહીં મળવા બાબત, જાહેર સરકારી કચેરીમાં દિવ્યાંગ સુવિધા વગરે બાબતોમાં મોબાઈલ કોર્ટ દ્વારા દિવ્યાંગજનોને ન્યાય અપાવવામાં આવ્યો છે અને આજે સૂરત ખાતે રજૂ થયેલ પ્રશ્નોને પણ ન્યાય મળશે.
સૂરત ખાતે રજૂ થયેલ પ્રશ્નોમાં દિવ્યાંગજનો માટે વાહન ખરીદીમાં જી.એસ.ટી. રાહત, આર.ટી.ઓ. લાયસન્સ ખાસ કેમ્પ, સાંસદશ્રી ગ્રાન્ટનો લાભ, સરકારી કચેરીઓમાં લિફ્ટની વ્યવસ્થા જેવા પ્રશ્નો રજૂ થયા હતા.
પદ્મશ્રી અને દિવ્યાંગ જનો માટે હંમેશા જીવન ખપાવનારશ્રી કનુભાઈ ટેલર વિશેષ હાજરી આપી દિવ્યાંગજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
આજે યોજાયેલી મોબાઈલ કોર્ટમાં નિવાસી અધિક કલેકટરશ્રી યોગરાજસિંહ ઝાલાએ પ્રારંભે કમિશ્નરશ્રી રાજપૂતનું સ્વાગત કર્યું હતું
દિવ્યાંગો માટેના નાયબ કમિશનરશ્રી એચ.એચ.થેબા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જે.એમ.ચૌધરી તથા અન્ય કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.