ઉનાના ગુંદાળા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં નરેગા યોજના હેઠળ સરકારી રાહત કામગીરી શ્રમીકો દ્વારા કરવામાં આવી રહી હતી. ત્યારે આ કામગીરી બંધ કરો નહીંતર ટાંટીયા ભાંગી નાખવાની બે શખ્સોએ ધમકી આપતા સતાર મંઘરાએ પોલીસમાં બે શખ્સો વિરુદ્ધ લેખિત અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.ગુંદાળામાં નરેગા યોજના હેઠળ સરકારી ખરાબાની જમીનમાં શ્રમિકો દ્વારા રાહત કામગીરી કરવામાં આવી રહી છે. આ સરકારી કામમાં ગામના જુસલ ઓસમાણ ઉનડ તેમજ સુલેમાન ઓસમાણ ઉનડ આ બે શખ્સો દ્વારા મહીલા સરપંચના પુત્ર સતાર મંધરાને ફોન કરી કહેલ કે, આ જગ્યામાં નરેગાનું કામ આજથીજ બંધ કરી દેજે નહીંતર જોયા જેવી થશે, તેથી સતારભાઇએ સરકારી યોજના છે અને સરકારી ખરાબામાં કામ કરી નાના માણસો મજુરી મેળવે છે, તમારે શું વાંધો છે અને આ જગ્યા ક્યાં તમારી માલીકીની છે. તેમ જણાવ્યું હતું ત્યારે આ શખ્સોએ ભુંડી અપશબ્દો આપ્યા બાદ કહ્યું, તુ આ કામ બંધ કરી દે નહીંતર તારા ટાંટીયા ભાંગી નાખીશું અને તુ કોઇ કામ કરવા લાયક નહી રહે તેવી શખ્સોએ ધમકી આપી હતી. કાયદેસરનું કમીશન આપો તો જ કામ કરવા દઇશુ અને અમારી કુટુંબની ખોટી હાજરી ભરીને અમને પૈસા ચુકવો તો કામ થશે નહીતર કામ કરવા દઇશુ નહીં. આ ઉપરાંત તેવોએ અગાઉ પણ પંચાયતમાં અમને ઘર બેઠા કમીશન પુરુ પાડ્યું હતુ. તેમ છતાં આ કામ થશે નહીં તેવી ધમકી આપતા માથાભારે શખ્સો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મહિલા સરપંચના પુત્ર સતાર મંધરાએ પોલીસમાં લેખિત રજૂઆત કરી માગ કરી છે.