દાંતા તાલુકામાં મોટાભાગનો માર્ગ પહાડી વિસ્તાર અને ઢળાંગવાળો હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. દાંતા તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે દાંતા તાલુકામાં આવેલા યાત્રાધામ અંબાજીમાં શીતળા માતા ઘાટી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બસ અને ડમ્પરને મોટું નુકસાન સર્જાયું છે.
આજે અંબાજી નજીક શીતલા માતા ઘાટી જોડે એસટી બસને અકસ્માત નડ્યો છે. ત્યારે બસ અને ડમ્પર વચ્ચે સર્જાતા અકસ્માતને લઈ અંબાજી-આબુરોડ હાઈવે માર્ગ જામ થયો હતો. જોધપુરથી અંબાજી તરફ આવતી એસટી બસને ડમ્પરે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
ત્યારે બસના પાછળ આવતી બોલેરો કાર પણ ખાઈમાં ખાબકી હતી. ડમ્પરના બ્રેક ફેલ થતાં અંબાજી તરફ આવી રહેલી એસટી બસને ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. જેના પગલે બસમાં સવાર લોકોને ઇજાઓ પહોંચી હતી. ત્યારે ઇજાગ્રસ્તોને ઇમર્જન્સી 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા સદનસીબે જાનહાનિ ટળી હતી. અકસ્માતના પગલે અંબાજી-આબુરોડ હાઇવે માર્ગ પર ટ્રાફિકજામ જોવા મળ્યું હતું.