ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે આજે જિલ્લા પોલીસ વડાએ ડીસા તાલુકાના ત્રણ ગામોમાં લોક સંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં ગામના આગેવાનો પાસેથી પોલીસને લગતી સમસ્યાઓ સાંભળી ગુન્હાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન ગુનાહિત પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે. તયારે બનાસકાંઠાના યુવા અને ઉત્સાહી એસપી અક્ષય રાજ મકવાણા ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે અવનવા પ્રયત્નો કરતા હોય છે. ત્યારે ડીસા તાલુકા પોલીસ મથકે ઇન્સ્પેકશન બાદ તેઓ જુનાડીસા, સમૌ અને નવા ગામે બનાસકાંઠા એસપી અક્ષય રાજ મકવાણા, કૌશલ ઓઝા તાલુકા પીઆઇ એસ.એમ. પટણી સહિત પોલીસની ટીમે ગ્રામજનો સાથે લોકસંપર્ક કર્યો હતો.
જુનાડીસામાં સિદ્ધાંબિકા માતાના મંદિરે એક સાધારણ સભા પણ મળી હતી. જેમાં ટ્રાફિકની સમસ્યા હોય કે ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટેની વિવિધ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ સમૂહ અને નવાગામે પણ લોક સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ગામના આગેવાનોએ પોલીસને લગતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. જેને જિલ્લા પોલીસવાળાએ ત્વરિત ઉકેલ લાવવા માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે લોકો પાસેથી સહકાર માગ્યો હતો. અત્યારે સાયબર ક્રાઇમના ગુનાઓ ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમના ગુનાઓ મામલે પણ લોકો કઈ રીતે સાવધાન રહી શકે તે અંગે જરૂરી સૂચનાને માર્ગદર્શન આપ્યું હતું.