સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય રાજ્યમંત્રીએ રૂપિયા 12.56 લાખની નવી એમ્બ્યુલન્સનું અને ડોર ટુ ડોર કલેક્શન માટે ટ્રેકટરનું લોકાર્પણ કર્યું હતુ.આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, આજે વણોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નવી એમ્બ્યુલન્સ મળવાથી આજુબાજુના ગામલોકો માટે આરોગ્યની સુવિધામાં વધારો થશે. આ એમ્બ્યુલન્સ આવવાથી દર્દીને ઇમરજન્સીના સમયે ઝડપથી હોસ્પિટલમાં પહોંચાડી સારવાર કરાવી શકાશે. આ વિસ્તારના લોકો માટે આ એમ્બ્યુલન્સ ખૂબ ઉપયોગી સાબિત થશે.સાંસદની ગ્રાન્ટમાંથી શિક્ષણ અને આરોગ્યના કામોને અગ્રતા આપવામાં આવી રહી છે તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં સંસદીય મત વિસ્તારના વિવિધ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 27 જેટલી એમ્બ્યુલન્સ સાંસદને મળતી ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવી છે. આ ઉપરાંત આરોગ્યને લગતા મેડિકલના સાધનો તેમજ શિક્ષણ વિભાગમાં કમ્પ્યુટર લેબ સહિતના સાધનો શૈક્ષણિક સુવિધા માટે સાંસદની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવ્યા છે. વધુમાં કેન્દ્રીય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેવાડાના લોકો માટે આરોગ્યની સુવિધાઓ સરકારે સરળતાથી ઉપલબ્ધ બનાવી છે. આયુષ્યમાન ભારત જેવી યોજનાઓના લાભો છેવાડાના લોકો સુધી આજે સરળતાથી પહોંચી રહ્યા છે.