મોટા ભઢાદ ગામમાં કાળા પથ્થરની ચોરીના કૌભાંડનો પર્દાફાસ થવાની સાથે રૂ.1.21 અબજનો દંડ ફટકારવા માટે નોટીસને મામલે ખળભળાટ મચી ગયો છે. ત્યારે રજૂઆત કર્તાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગેરકાયદેસર કપચીની ચોરી કરવા માટે ખાણીયા રાજાઓએ ચેકડેમ તોડીને ડંપરો ચલાવવામાં આવે છે. મોટા મઢાદમાં કાળા પથ્થરની ચોરી કરવા માટે ભૂમાફીયાઓ બેફામ બન્યા હોવાની રજૂઆતો થઇ હતી. ત્યારે સફાળા જાગેલા તંત્રએ 4 શખ્સોને એક સાથે રૂ.1.21 અબજ રૂપીયા ભરવા માટેની નોટીસ ફટકારી છે.આ નોટીસમાં હવે શું કાર્યવાહી થશે તે અંગે અનેક અટકળો વહેતી થઇ છે. અને એવુ પણ કહેવામાં આવશે કે જવાબો અને થોડી કાગળની કાર્યવાહી કરીને ઘીના ઠામમાં ઘી પડી જશે ત્યારે આ બાબતે છેલ્લા ત્રણ મહિનાથી લડત કરનાર પ્રવિણદાન ગઢવીએ જણાવ્યુ કે બંને ગામમાં અંદાજે 10 વર્ષથી આ ખોદકામ અને બ્લાસ્ટની કામગીરી ચાલે છે.આટલા સમયમાં ખાણ ખનીજના કોઇ અધિકારી અહીયા આવ્યા નથી. અમે છેલ્લા 3 મહિનાથી રજૂઆતો કરતા આવ્યા છીએ ત્યારે તંત્રએ આ કામગીરી કરી છે. આટલુ જ નહી પરંતુ ગામમાં અત્યારે સતત ધમધમતા ભડીયાને કારણે ઉડતી રજની મોટી સમસ્યા છે.પ્રદુશણ નિયંત્રણ વાળા આવ્યા હતા ત્યારે કાર્યવાહી કરવાની સબચનાઓ આપી હતી પરંતુ આજ દિવસ કોઇ જ પગલા લેવામાં આવ્યા નથી. તેમણે આક્ષેપ કરતા એવી વિગતો પણ જણાવી હતી કે કાળા પથ્થરની ચોરી કરવા માટે ડંપર ચલાવવા માટે અલગ અલગ જગ્યાએ રસ્તા બનાવવા પડે છે. ત્યારે પથ્થર ભરેલા ડંપર ચાલવાનો અન્ય કોઇ જગ્યાએ સરળ રસ્તો ન હોય ગામના ચેકડેમ તોડીને ડંપર ચલાવવામાં આવે છે.તેમણે વધુમાં એવું પણ જણાવ્યું કે અત્યારે અમને ધમકીઓ મળી રહી છે. પોલીસને જાણ કરી તો પોલીસે કહ્યું, તમને ધમકી આપી હોય તેવા પુરાવાઓ લાવો. જો ન્યાય નહી મળેતો મુખ્યમંત્રી અને છેક પ્રધાનમંત્રી સુધી રજૂઆતો કરીશું. ત્યારે કાળા પથ્થરની ખનીજ ચોરીને મામલે થયેલા આક્ષેપોની તપાસ થાય તો સત્ય બહાર આવે તેમ છે.