કડી :ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અગાઉ અસામાજિક તત્વોને ચેતવણી આપી ચૂક્યા છે. ઉપરાંત કેટલાક સિન્ડિકેટ ક્રાઈમના આરોપીઓને ગુજસીટોકના કાયદા હેઠળ જેલમાં ધકેલી દેવાયા છે. છતાં પણ જાણે મહેસાણાના અસામાજીક તત્વોને કોઈ પણ ડર ન હોય તેમ ગુના આચરી રહ્યા છે. પોલીસને જાણે અસામાજિક તત્વો પડકાર ફેંકી રહ્યા હોય તેમ ખુલ્લેઆમ દાદાગીરીના દૃષ્યો સર્જાઈ રહ્યા છે. એવામાં કોર્ટમાં સમાધાન કરવાની ધમકી આપી આરોપીઓએ ફરિયાદીને માર માર્યાની ઘટના સામે આવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પરમાર ઈમ્તિયાઝ ઉર્ફે હાફિજજી મુનશફ કોર્ટ પાસે એક્ટિવા લઈ ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન રસ્તામાં આરોપીઓએ તેમને ઉભા રાખ્યા હતા. જ્યાં તેમને કોર્ટમાં ચાલી રહેલા કેસનું સમાધાન કરી લેવા માટે ધમકી આપવા લાગ્યા હતા. પરંતુ ફરિયાદીએ કોઈ જવાબ નહીં આપતા અસામાજીક તત્વોએ તેમને માર માર્યો હતો. 

આ ઘટનાના પગલે આસપાસના રહિશો પણ દોડી આવ્યા હતા અને આરોપીઓ ઈરફાન ઉર્ફે ગીરી સલીમ મલેક, અરબાઝ ઉર્ફે બાપજી સલીમ મલેક, અલ્ફાઝ મેહબૂબ સિપાઈ, તોફીક ઉર્ફે રબ્બડિયો અબ્દુલ રસીદ દોલાણી ને અટકાવી રહ્યા હતા. જેના પગલે આરોપીઓ ઘટના સ્થળેથી નાસી ગયા હતા. બાદમાં ઘાયલ ઈમ્તિાઝને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.  

આ મામલે કડી પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPC -323,504,506(2),114 અને GPA - 135 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે સ્થાનિકો જણાવે છે કે કડીમાં દાદાગીરીના કિસ્સાઓ વધી રહ્યા છે. અસામાજિક તત્વોના કારણે ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે અને મહિલાઓને પણ બહાર નિકળતા ડર લાગ છે. અવારનવાર અસામાજિક તત્વો દ્વારા મહિલાઓ સહિતના સ્થાનિકો સાથે માથાકૂટ અને મારામારી કરી લેતા હોવાનું પણ સ્થાનિકો જણાવે છે. ત્યારે સૌ કોઈ પોલીસ કાર્યવાહી તરફ મીટ માંડીને બેઠા છે.