સુરેન્દ્રનગરમાં 8 કરોડ 88 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બસ સ્ટેશનની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠ્યા હતા. છ વર્ષથી બસ સ્ટેશનની કામગીરી ચાલી રહી હતી. લોકો લાંબા સમયથી બસ સ્ટેશનની સુવિધા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આગામી 28મી તારીખે આ બસ સ્ટેશનના લોકાર્પણની તૈયારી થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપે તેવી શક્યતાઓ છે.સુરેન્દ્રનગર જિલ્લાનુ સૌથી મોટુ એસટી બસ સ્ટેશન ગાંધી હોસ્પિટલ સામે રૂ.8.88 કરોડના ખર્ચે છેલ્લા 6 વર્ષથી બની રહ્યુ છે. તાજેતરમાં જ એસટી વિભાગના એમડી એમ.એ.ગાંધી, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, રાજકોટ વિભાગીય નિયામક જે.ડી.કલોત્રા સહિતના એસટીના કર્મચારીઓ તેમજ આગેવાનો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવા એસટી બસ સ્ટેશનનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાવાસીઓ માટે આ નવા બસ સ્ટેશનનું તા. 28 એપ્રિલને શુક્રવારે લોકાર્પણ કરાશે.