યાત્રાધામ ચોટીલાના રોપવે પ્રોજેક્ટના કોર્ટમાં થયેલા કેસોનો નિકાલ થતા હવે ટૂંક સમયમાં રોપવે પ્રોજેક્ટ શરૂ થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી પર્વત પર રોપવે બનાવવાના કામને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. જેને લઇને ભક્તો તેમજ ડુંગર તળેટી વિસ્તારના વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રોપવે અંગે હાઈકોર્ટમાં કરાયેલી અરજીઓનો નિકાલ થતા હવે રોપવે પ્રોજેક્ટ સાકાર થવાના અણશાર જણાતા ચોટીલા પ્રવાસન નકશામાં ચમકશે.
આ ઐતિહાસિક ચામુંડા માતાજીના ડુંગર પર રોપવે બનાવવા વર્ષ 2008થી ખાનગી કંપની દ્વારા અરજી કરવામાં આવી હતી. પરંતુ અમુક કાયદાકીય ગુંચવણોને લઇને સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હવે હાઇકોર્ટમાં કેસોનો નિકાલ થયો છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા રોપવે બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કંપની દ્વારા હાલ વીજ કનેક્શન લેવા સહીતની પ્રાથમિક કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
એક વર્ષમાં રોપ-વેની કામગીરી પૂર્ણ થવાનો અંદાજ
સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના ઐતિહાસિક ડુંગર પર આ રોપવેનું કામ અંદાજે રૂપિયા 20 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે થશે. કંપની દ્વારા આગામી એક વર્ષમાં રોપવેની કામગીરી પૂર્ણ કરવાનો અંદાજો છે. આગામી સમયમાં મુખ્યમંત્રીના હસ્તે આ રોપવેના કામનું ખાતમુહુર્ત કરી કામગીરી શરૂ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. ગિરનાર તેમજ પાવાગઢ બાદ હવે ચોટીલામાં પણ રોપવે બનાવવામાં આવશે.
અંદાજે 20 કરોડનો ખર્ચ આવવાની શક્યતા
એક વર્ષ સુધી એનું કામ ચાલશે અને અંદાજે રૂ. 20 કરોડની માતબર રકમ દ્વારા આ રોપ-વેનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ અંગે નાના પાળીયાદ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ રઘુભાઇ શિયાળીયાએ જણાવ્યું કે, ભાજપ સરકારે "સૌનો સાથ, સૌનો વિકાસ"ની નેમ સાથે સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના ડુંગર પર રોપ-વેના પ્રોજેક્ટને મંજૂરી આપતા ચોટીલા નગરવાસીઓ, વેપારીઓ, દુકાનદારો અને શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર દોડી છે. આ પ્રોજેક્ટનું કામ રાજ્ય સરકાર દ્વારા ઝડપી શરૂ કરી પૂર્ણ કરવામાં આવે તેવી સૌ તાલુકા વાસીઓની નમ્ર વિનંતી છે. આ યોજના થકી ચોટીલા ચામુંડા માતાજીને વિશ્વ ફલક પર નવી ઓળખ મળશે.