ધ્રાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડ પાસે આવેલ સ્ટેટ બેંકના એ.ટી.એમ. સેન્ટરમાં અજાણ્યા શખ્સે  એ.ટી.એમ. કાર્ડ બદલી લઈને તેના પિતાના સેવિંગ એકાઉન્ટમાંથી કટકે કટકે રૂા.1,09,623 ઉપાડી લઈને છેતરપીંડી કર્યાની ફરીયાદ ધ્રાંગધ્રા સીટી પોલીસમાં નોધાતા તપાસ હાથ ધરાયેલ છે. આ બનાવની વિગત એવી છે કે, ધ્રાંગધ્રા રેલ્વેસ્ટેશન સામે રહેતા અને મજુરી કરતા ભગાજીભાઈ અંબાજીભાઈ વણઝારાએ તેમના  દિકરા મહેશને એ.ટી.એમ. કાર્ડ અને પાસવર્ડ આપીને પૈસા ઉપાડવા મોકલ્યો હતો મહેશ ઝાલાવાડ ગ્રાઉન્ડ સામે આવેલ સ્ટેટબેંકના એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા ગયો હતોપ્રથમ પ્રયાસે પૈસા ઉપડયા નહોતા આથી બીજા પ્રયાસમાં તે એ.ટી.એમ. કાર્ડ મશીનમાં નાંખીને પાસવર્ડ નાંખતો હતો ત્યારે જ તેના મોટાભાઈ રવિનો ફોન આવેલ અને બાઈકની જરૂર હોઈ જલ્દી ઘેર આવવા કરેલ હતુ! એ વખતે એ.ટી.એમ.માં ઉભેલા અજાણ્યા શખ્સે હિન્દીમાં ” પૈસા નહિ ઉપડતા હૈ ?” કહીને તેણે એ.ટી.એમ. મશીન પાસે જઈ મહેશે નાંખેલુ એ.ટી.એમ. કાર્ડ કાઢીને તેનું એ.ટી.એમ. કાર્ડ નાંખેલ હતું અને મહેશને એ.ટી.એમ. કાર્ડ પરત આપતા તે ઘેર પરત ગયો હતો બાદમાં બેંકમાંથી ભગાજી ઉપર ફોન આવેલ કે, તમારા ખાતામાંથી રૂા.40,000 ઉપડેલ છે તમે જ ઉપાડેલ છે ને?આથી ભગાજીએ તેમના મોટા દિકરા રવિને વાત કરતા તેણે ભગાજીનો ફોન ચેક કરતા તેમના ખાતામાંથી અજાણ્યા શખ્સે કટકે કટકે આઠ ટ્રાન્ઝેકશન કરીને રૂા.1,09,623 ઉપાડી ગયાનું ધ્યાનમાં આવેલ હતુ. બાદમાં મહેશ જે એટીએમ કાર્ડ લઈને પરતઆવેલ તે ચેક કરતા એટી.એમ. કાર્ડ ભગાજીનું નહોતુ પરંતુ કોઇ બીજાના નામનું હોવાનું ધ્યાને આવેલ હતુ! આથી ભગાજીએ બેંકમાં પોતાનુ એ.ટી.એમ કાર્ડ બ્લોક કરાવીને ખાતુ ફ્રિજ કરાવી ધ્રાંગધ્રા સીટી પોલીસમાં અજાણ્યા શખ્સે એ.ટી.એમ કાર્ડ બદલીને રૂા.1,09,623 ની છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે.