સામાજિક કુરિવાજ પર અંકુશ લાવવા બંધારણ: ડીસામાં પાંચ પરગણા બ્રહ્મ સમાજે બનાવ્યું સામાજિક બંધારણ; પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે સામાજિક બહિષ્કાર સુઘીની જોગવાઈ

ડીસા તાલુકાના સમો મોટા ગામે બ્રહ્મ સમાજ દ્વારા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બ્રહ્મ સમાજ દ્વારા અનેક પ્રકારના સામાજિક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. સમાજમાં પ્રવર્તતા કુરિવાજ સામે હવે લોકો જાગૃતિ દાખવે તે માટે ખાસ પ્રકારનું બંધારણ બનાવી સામાજિક કુરિવાજોમાંથી લોકોને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. જેમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, શ્રીમંત પ્રસંગ સગાઈ પ્રસંગ સહિતના શુભ કે અશુભ પ્રસંગે લોકોએ કેવા પ્રકારનો સામાજિક વ્યવહાર કરવો તેમજ કેટલા સુધીનો ખર્ચ કરવો તે આ બંધારણમાં દર્શાવાયું છે.

સમાજના બંધારણનો ઉલ્લંઘન કરનાર સામે જે તે પ્રસંગમાં લોકોએ જવું નહીં તેમજ બંધારણનો ઉલ્લેખ કરનાર વ્યક્તિને 51 હજાર રૂપિયાનો દંડ કરવા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ આ વ્યવસ્થા ન જાળવે ત્યાં સુધી તેમના ઘરે બીજા કોઈ પ્રસંગમાં ન જવા સુધીની જોગવાઈ કરવામાં આવી છે. બ્રહ્મ સમાજની આ સામાજિક પહેલને સમાજના તમામ લોકોએ અપનાવી લીધી છે અને બંધારણ પાળવાની ખાતરી આપી છે.