દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સીમળાઘસી ગામે બારીયા ફળિયામાં રહેતાં ભારૂભાઈ સબુરભાઈ બારીયાના રહેણાંક કાચા મકાનમાં ઓચિંતી આગ લાગતાં ઘવાખ્રી બળીને ખાખ થઇ ગઈ છે. મકાનમાં મુકી રાખેલ રાંધણ ગેસનો બાટલો પણ આગની લપેટોમાં આવી જતાં રાંધણ ગેસનો બાટલો બ્લાસ્ટ થતાં આગે પ્રચંડ રૂપ ધારણ કર્યુ હતું અને જાેતજાેતમાં આગમાં ઘરવખરીનો સામાન, સોના-ચાંદીના દાગીના, વગેરે મળી લાખ્ખોનો સરસામાન બળીને રાખ થઈ જતાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. ગત તા.૧૫મી એપ્રિલના રોજ રાત્રીના દોઢેક વાગ્યાના આસપાસ ભારૂભાઈ બારીયાના કાચા મકાનમાં ઓચિંતી આગ લાગી ગઈ હતી. પરંતુ તે પહેલાં ઘરના સદસ્યો ઘરની બહાર હેમખેમ બહાર નીકળી જતાં કોઈ જાનહાની બનવા પામી ન હતી. ઘટનાની જાણ નજીકના ફાયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરોએ પાણીનો ભારે મારો ચલાવી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આગમાં અંદાજે લાખ્ખોનું નુકસાન થવા પામ્યું હતું. આ સંબંધે ભારૂભાઈએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.