તારાપુરમાં એક દુકાન આગળ બેસીને મોબાઇલ મારફતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ખંભાતના એક શખ્સને આણંદ એલસીબીએ રૂપિયા 16,000 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો.
ખંભાત શહેરમાં આંબાખાળ ખાતે રહેતો ભાવિન રમેશ ચુનારા તેના મોબાઇલ ફોનમાં તારાપુર પંચાયત પાસે શુભમ ટેલર્સની દુકાન આગળ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની સઘન પૂછપરછમાં સટ્ટો રમવા માટેની આઈડી મુકેશ રાજુ ચુનારા (રહે ખંભાત આંબાખાડ રોડ ગુરુકૃપા સોસાયટી પાછળ) મારફતે કલ્પેશ બાબુ ગોયાણી અને સતીશ ગોયાણી (બંને રહે સુરત) દ્વારા આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.